સયાજી હોસ્પિટલના પાર્કિંગમાંથી નર્સ તરીકે ફરજ બજાવતા બે કર્મચારીના ટુ-વ્હિલર ચોરાયાં

  • 7:57 pm March 9, 2024
સિકંદર પઠાણ

 

એક અઠવાડિયા પછી પણ વાહન ન મળતા રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

વડોદરાની સયાજી હોસ્પિટલના પાર્કિંગમાંથી બે સ્ટાફ કર્મચારીઓના વાહનો ચોરાઇ ગયા હતા. અઠવાડિયા સુધી રાહ જોયા પછી પણ વાહન નહીં મળી આવતા  સ્ટાફ નર્સ દ્વારા રાવપુરા  પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

શહેરના આજવા રોડ પર આવેલી સહજ સ્કૂલ પાસે સાંઇ શ્રદ્ધામાં સોસાયટીમાં રહેતા મનિષાબેન ડાહ્યાભાઇ પરમાર સયાજી હોસ્પિટલમાં સ્ટાફ નર્સ તરીકે નોકરી કરે છે. ગત તા.૩ જી એ તેઓ મોપેડ લઇને સયાજી હોસ્પિટલમાં નોકરી પર જવા નીકળ્યા હતા. સયાજી હોસ્પિટલની જૂની લાયબ્રેરીની સામે પાર્કિંગમાં તેમણે મોપેડ પાર્ક કરી લોક માર્યુ હતું. નોકરી પૂરી કરીને તેઓ પાર્કિંગમાં પોતાનું મોપેડ લેવા પરત આવ્યા ત્યારે તે ચોરી થઇ ગયું હતું.

ન્યૂ વી.આઇ.પી.રોડ ઉપવન હેરિટેજમાં રહેતો જયેન્દ્રસિંહ ખુમાનસિંહ પરમાર સયાજી હોસ્પિટલમાં સ્ટાફ નર્સ તરીકે નોકરી કરે છે. ગત ૧ લી તારીખે  સવારે આઠ વાગ્યે ઘરેથી નીકળી હોસ્પિટલમાં નોકરી પર ગયા હતા. સયાજી હોસ્પિટલના સીએસએસડી રૂમની પાછળ પાર્કિંગમાં જનરેટર રૂમની પાછળ બાઇક પાર્ક કરીને તે નોકરી પર ગયા હતા. બપોરે અઢી વાગ્યે તે નોકરી પૂરી કરીને પાર્કિંગમાં બાઇક લેવા ગયા ત્યારે તેની બાઇક નહતી. જે અંગે રાવપુરા પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.