લાંછનપુરા ગામ પાસે મહી નદીમાં ગઈકાલે ડૂબી ગયેલા બે મિત્રો પૈકી એકનો મૃતદેહ મળ્યો, હજુ એક લાપતા

  • 8:03 pm March 9, 2024
સિકંદર પઠાણ

 

 

વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના લાંછનપુરા ગામ પાસેથી પસાર થતી મહીસાગર નદીમાં નાહવા માટે ગયેલા બે મિત્રોના ડૂબી જતા લાપતા થઇ ગયા હતા. સ્થાનિક તરવૈયાઓ, એન.ડી.આર.એફ. અને વડોદરા ફાયર બ્રિગેડની ઘનિષ્ઠ શોધખોળ બાદ આજે એક યુવાનનો મૃતદેહ 48 કલાક પછી મળી આવ્યો હતો. નોંધનીય છે કે, ડૂબી જવાથી મોતને ભેટેલા યુવાનના એક માસ પહેલાં જ લગ્ન થયા હતા. હાથની મહેંદી ઉતરી ન હતી ત્યાં જ પતિનું મોત નીપજતાં પત્ની અને પરિવારજનોના હૈયાફાટ રૂદને સન્નાટો પાથરી દીધો હતો,

આ બનાવની વિગત એવી છે કે, શહેરના ન્યુ વી.આઇ.પી. રોડ ઉપર આવેલ મકાન નંબર 284 સંતોષીનગરમાં રહેતો ધર્મેશ રણછોડભાઈ વાઘેલા (ઉં.વ.26) અને સંતોષીનગરમાં જ રહેતો દિપક અવધેશભાઈ કુશ્વાહા (ઉં.વ.27) ગુરૂવારે સવારે 11 વાગ્યાના સુમારે ઘરેથી બાઇક ઉપર સાવલી તાલુકાના લાંછનપુરા ગામ પાસેથી પસાર થતી મહિસાગર નદીએ નાહવા માટે ગયા હતા.ઘરેથી બાઇક ઉપર નીકળેલા ધર્મેશ વાઘેલા અને દિપક કુશ્વાહાએ લાંછનપુરા ગામથી મહી નદી પહોંચવા માટે આવતા કાચા રસ્તા ઉપર ચાલુ બાઇકે વીડિયો ઉતાર્યો હતો. જેમાં દિપક કુશ્વાહા બોલી રહ્યો છે કે, રસ્તા દેખ કે મેરા ગાંવ યાદ આ રહા હૈ, મેરા ગાંવ મેરા દેશ મહી નદીએ પહોંચ્યા બાદ બંનેએ નદી કિનારે પોતાના મોબાઇલ ફોન અને કપડાં કિનારે મૂકીને નાહવા માટે ઉતર્યા હતા. દરમિયાન બંને મિત્રો ધસમસતા પાણીમાં તણાઇ જતાં લાપતા થયા હતા.આ બનાવની તપાસ કરી રહેલા અનાર્મ હેડ કોન્સ્ટેબલ દુર્ગેશભાઈએ જણાવ્યું હતું કે, મહી નદીમાં લાપતા થયેલા મિત્રોની સ્થાનિક તરવૈયાઓ, એન.ડી.આર.એફ. અને વડોદરા ફાયર બ્રિગેડ દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી હતી. દરમિયાન બે યુવાનો જે સ્થળ પર ડૂબ્યા હતા તેની આસપાસના ધરામાંથી આજે સવારે દિપક અવધેશભાઈ કુશ્વાહાનો મૃતદેહ મળી આવ્યો છે. દિપકના મૃતદેહનું પોસ્ટ મોર્ટમ કર્યા બાદ પરિવારને મૃતદેહ સોંપવામાં આવશે.

ઉલ્લેખનિય છે કે, ડૂબી જતાં મોતને ભેટેલા દિપક કુશ્વાહા પરિવારનો એકનો એક પુત્ર હતો. ગત 4 ફેબ્રુઆરી 2024ના રોજ લગ્ન થયા હતા. દિપકનો આજે સવારે મૃતદેહ મળી આવતા પરિવારજનોના હૈયાફાટ રૂદને સન્નાટો પાથરી દીધો હતો. પત્નીના હાથની મહેંદી ઉતરી ન હતી ત્યાં પતિને ગુમાવનાર પત્નીના હૈયાફાટ રૂદને કઠણ કાળજાના લોકોને પણ હચમચાવી નાંખ્યા હતા. સાવલી હોસ્પિટલ ખાતે સન્નાટો પથરાઇ ગયો હતો.અનાર્મ હેડ કોન્સ્ટેબલ દુર્ગેશભાઈએ જણાવ્યું હતું કે, હજુ ધર્મેશ વાઘેલાનો કોઇ પત્તો મળ્યો નથી, વિવિધ ટીમો દ્વારા તેની શોધખોળ ચાલી રહી છે. બંનેને શોધવા માટે ટીમો નદી ખૂંદી વળ્યા હતા. જોકે, આજે સવારે દિપકનો મૃતદેહ બંને મિત્રો જ્યાં નાહવા માટે પડ્યા હતા તે સ્થળની આસપાસમાંથી જ દિપકનો મૃતદેહ મળી આવ્યો છે. આ બનાવ અંગે કાર્યવાહી કરવામાં આવી રહી છે.