યુવકે ઓનલાઇન મોબાઇલ મંગાવતા સાબુ નીકળ્યો, કોર્ટે ગ્રાહકને વ્યાજ સાથે રકમ ચૂકવવા આદેશ કર્યો

  • 8:06 pm March 9, 2024
સિકંદર પઠાણ

 

 

વડોદરા ગ્રાહક ફોરમ કોર્ટે મહત્વનો ચુકાદો આજે ઓનલાઈન કંપની સામે આપ્યો છે. આ ઓનલાઈન કંપની દ્વારા ગ્રાહકને ઓનલાઈન ડિલિવરીમાંથી મોબાઇલની જગ્યાએ સાબુ મળ્યો હતો. આ બાબતે કોર્ટમાં કેસ ચાલતા આજે વડોદરા ગ્રાહક ફોરમએ મહત્વનો ચુકાદો જાહેર કર્યો છે અને ગ્રાહકને વ્યાજ સાથે રકમ ચૂકવવાનો આદેશ કર્યો છે.

આ કેસની વિગત એવી છે કે જેમાં ભોગ બનનાર ગ્રાહક વિરલ ભાનુશાલી નામની વ્યક્તિએ ફ્લિપકાર્ટ ઉપરથી ઓનલાઈન સેમસંગનો મોબાઇલ ઓર્ડર કર્યો હતો. જેની ડિલિવરી તેઓને ડિલિવરી બોય કરી જતા તેઓએ ડિલિવરી બોક્સ ખોલી જોતા તેમાંથી મોબાઈલના બદલે સાબુ નીકળ્યો હતો. બાદમાં તેઓએ વકીલ મારફતે વડોદરાની ગ્રાહક ફોરમમાં ફરિયાદ કરી હતી.

આજે ગ્રાહક ફોરમ દ્વારા અરજદારને રૂપિયા 36,990 અરજી કર્યાની તારીખથી 7 ટકાના સાદા વ્યાજ સાથે હુકમની તારીખથી બે માસમાં ચૂક્વી આપવાનો હુકમ જારી કર્યો છે. જો સામાવાળા અરજદારને ઉપરોક્ત રકમ વ્યાજ સાથે ચૂકવવામાં નિષ્ફળ જાય તો રકમની પુરેપુરી ચૂકવણી જ્યાં સુધી ન કરે ત્યાં સુધી વ્યાજ સાથે વસુલ મેળવવા હકદાર અરજદાર રહેશે. સાથે અરજદારને માનસિક ત્રાસના 2 હજાર તેમજ કાનૂની ખર્ચના 2 હજાર રૂપિયા ચૂકવવા આદેશ કર્યો છે.