'ગોહિલવાડમાં વિકાસની હેલી': મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલનાં હસ્તે 396 કરોડ રૂપિયાનાં વિકાસકાર્યોનાં લોકાર્પણ- ખાતમુહૂર્ત

  • 9:36 pm March 9, 2024

 

ભાવનગરની કલાનગરી તરીકેની ઓળખને વધુ ઉજાગર કરતા 'યશવંતરાય નાટ્યગૃહ'નું નવીનકરણ બાદ લોકાર્પણ

નવી રેન્જ આઇ.જી. કચેરીનું લોકાર્પણ : વેસ્ટ કલેક્શન માટેનાં 91 વાહનોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવાયા

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે આજે ભાવનગરમાં કુલ 396.34 કરોડ રૂપિયાનાં વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યુ હતુ.

 મુખ્યમંત્રીશ્રી આજે ભાવનગર પધારી સૌપ્રથમ 'યશવંતરાય નાટ્યગૃહ' પહોંચ્યા હતા, જ્યાં 1.47 કરોડ રૂપિયાના ખર્ચે નવીનીકરણ પામેલા 'યશવંતરાય નાટ્યગૃહ'નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આમ, કલાનગરી તરીકે વિખ્યાત ભાવનગરની ઓળખ અદ્યતન નાટ્યગૃહનાં કારણે વધુ ઉજાગર થશે. મુખ્યમંત્રીશ્રીએ અહીં પંડિત યશવંતરાય પુરોહિતની પ્રતિમાને પુષ્પ અર્પણ કરી ઉપસ્થિત કલાકારોનું અભિવાદન ઝીલ્યું હતું.

આ ઉપરાંત અહીં ભાવનગર મહાનગરપાલિકા દ્વારા હાથ ધરાનારાં 27.36 કરોડ રૂપિયાનાં વિકાસકાર્યોનું ઇ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેમાં આનંદનગર લાયબ્રેરી, વોટર સપ્લાય નેટવરર્ક, પૂર્વ વિસ્તારનાં રસ્તાઓ, મહિલા કોલેજ ગાર્ડન બ્યુટિફિકેશન સહિતનાં કામોનું ઇ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. 

ત્યારબાદ મુખ્યમંત્રીશ્રી પોલીસ મહાનિરીક્ષકની નવનિર્મિત કચેરી ખાતે ઉપસ્થિત રહ્યા હતા અને કચેરી સંકુલની મુલાકાત કરી હતી. સંકુલમાં આવેલા કષ્ટભંજન હનુમાનજીના મંદિરે દર્શન કરી મુખ્યમંત્રીશ્રીએ કચેરીની મુલાકાતની શરૂઆત કરી હતી. ત્યારબાદ ‘ગાર્ડ ઓફ ઑનર’ આપી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ભાવનગર રેન્જનાં પોલીસમહાનિરીક્ષકશ્રીની આ કચેરી 3.89 કરોડ રૂપિયાનાં ખર્ચે નિર્માણ પામી છે. 

ત્યારબાદ મુખ્યમંત્રીશ્રીએ ગુલિસ્તા મેદાન પહોંચી 363.62 કરોડ રૂપિયાના વિકાસકાર્યોનાં ઇ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા હતા. ઉપરાંત ડોર-ટુ-ડોર વેસ્ટ કલેક્શન માટેનાં 91 વાહનોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યુ હતુ તેમજ આપત્તિ વ્યવસ્થાપન માટેની બે એમ્બ્યુલન્સ અને એક બોટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.  આ કાર્યક્રમમમાં ભાવનગર મહાનગરપાલિકા, નગરપાલિકાઓનાં પ્રાદેશનિક કમિશનર, માર્ગ અને મકાન વિભાગ, સર્વ શિક્ષા અભિયાન, ભાવનગર સિંચાઇ યોજનાનાં કુલ 363.62 કરોડ રૂપિયાના વિકાકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીની ભાવનગર મુલાકાત દરમિયાન મેયર શ્રી ભરતભાઇ બારડ, ડેપ્યુટી મેયરશ્રી મોનાબહેન પારેખ, સાંસદ શ્રીમતી ભારતીબહેન શિયાળ, સર્વે ધારાસભ્યશ્રી જીતુભાઇ વાઘાણી, સેજલબહેન પંડ્યા, શિવાભાઇ ગોહિલ, ગૌતમભાઇ ચૌહાણ, ભીખાભાઇ બારૈયા, મહંત શંભુનાથજી ટુંડિયા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી રૈયાબહેન મિયાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી રાજુભાઇ રાબડીયા, રેન્જ આઇ.જી. શ્રી ગૌમત પરમાર, કલેક્ટરશ્રી આર.કે. મહેતા, મ્યુનિસિપલ કમિશનરશ્રી એન.વી. ઉપાધ્યાય, જિલ્લા વિકાસ અધિકારી શ્રી જી.એચ. સોલંકી, જિલ્લા પોલીસ વડા શ્રી ડૉ. હર્ષદ પટેલ, આગેવાનશ્રી આર.સી. મકવાણા, આગેવાનશ્રી અભયસિંહ ચૌહાણ  સહિતનાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં.