નડાબેટ ખાતે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ હસ્તકની 100 નવીન બસોનો 14મો લોકાર્પણ સમારોહ યોજાયો

  • 9:40 pm March 10, 2024
અનિલ રામાનુજ

 

ભારત- પાકિસ્તાન  બોર્ડર નડાબેટ ખાતેથી 100 નવીન બસોનું અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને ગૃહમંત્રી હર્શ સંઘવીના હાથે લોકપર્ણ કરાયું... 

વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં આજે ભારત પાકિસ્તાન બોર્ડર પર આવેલ નડાબેટ ખાતે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ હસ્તકની 100 નવીન બસોનો 14મો લોકાર્પણ સમારોહ યોજાયો હતો. અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીના વરદ હસ્તે દેશના ઇતિહાસમાં પ્રથમવાર સીમાવર્તી વિસ્તારમાંથી એક સાથે 100 નવીન બસોને ફ્લેગ ઓફ કરી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. 

અધ્યક્ષ તેમજ ગૃહમંત્રીએ આગેવાનો સાથે બસમાં બેસી નડાબેટ થી સુઈગામ સુધી મુસાફરી કરી હતી. આ નવીન બસ સેવાના પ્રારંભથી રાજ્યના 20,000 નાગરિકોની સુવિધામાં વધારો થશે. તેમજ રાજ્યની પરિવહન સેવા વધુ સુદ્રઢ અને સુવિધાયુક્ત બનશે રાજ્યમાં જાહેર પરિવહનની સેવા અને સુવિધામાં સતત વધારો થાય એ માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. "સલામત સવારી એસ ટી અમારી" આધુનિક સુવિધાથી સજ્જ બની રહી છે. રાજ્યમાં છેવાડાના માનવીઓ સુધી એસ.ટી ની સુવિધા સરળતાથી પહોંચી શકે એ માટે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં 14 મહિનામાં 14 લોકાપર્ણ કાર્યક્રમ દ્વારા 1725 નવીન બસો નાગરિકોની સુવિધા માટે શરૂ કરવામાં આવી છે. ત્યારે આજે સીમાવર્તી નડાબેટથી શરૂ થયેલ નવીન 100 બસોની સુવિધા આ વિસ્તારના અંતરિયાળ ગામોની કનેક્ટિવિટી સાથે નાગરિકોની પરિવહન સુવિધામાં વધારો કરશે. વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ નવીન બસોનું લોકાપર્ણ કરતાં જણાવ્યું કે મેં મારા જીવનમાં આવું દ્રશ્ય કયારેય જોયું નથી. ભારત પાકિસ્તાન સીમા બોર્ડર પરથી એક સાથે 100 નવીન બસોનું લોકાર્પણએ અલૌકિક ઘટના બની જોવા મળી હતી.