વડોદરામાં બાઈકનો હપ્તો બાઉન્સ થયો છે, કહી બે ગઠિયા બાઈક લઈ રફુચક્કર

  • 7:03 pm March 11, 2024
સિકંદર પઠાણ

 

ડભોઇ રીંગ રોડ પર ગોકુળ વાટિકામાં રહેતા યુવકે ફરિયાદ નોંધાવી

ભોગ બનનાર યુવકે બીજા દિવસે શો રૂમ પર જઈ તપાસ કરતા જાણવા મળ્યું કે, એક હપ્તામાં મોટરસાયકલ સીઝ કરાતી નથી

વડોદરા જુના પાદરા રોડ વિસ્તારમાં એક યુવકને બાઇકનો હપ્તો બાઉન્સ થયો છે, સીઝ કરવી પડશે તેમ કહી વાતોમાં ફસાવી બે ગઠીયા તેની બાઈક લઈ ફરાર થઈ ગયા હોવાનું બનાવ બન્યો હતો.

ડભોઇ રીંગ રોડ પર ગોકુળ વાટીકા ખાતે રહેતા અને કાલાઘોડા નજીક સ્ટોરમાં નોકરી કરતા વિષ્ણુ પરમાર નામના યુવકે પોલીસને કહ્યું છે કે, ગઈ તા.7મી એ સવારે હું મારી મોટરસાયકલ લઇ મનીષા ચોકડી ખાતે રહેતા મારા દાદીને ત્યાં મળવા ગયો હતો. લગભગ પોણા દસ એક વાગે હું રોડની સાઈડ પર બાઈક ઉભી રાખી ઉભો હતો. તે દરમિયાન બે યુવકો મારી પાસે આવ્યા હતા અને રિકવરી એજન્ટ તરીકે ઓળખાણ આપી તમારી મોટરસાયકલના હપ્તા બાઉન્સ થયા છે, હમણાં જ સગવડ કરવી પડશે તેમ કહી ફોટો બતાવ્યો હતો. મેં મારા દાદી અને બહેનને ફોન કર્યા હતા પરંતુ રૂપિયાની સગવડ થઈ ન હતી. જેથી બંને યુવક મારી મોટરસાયકલ લઈને ચાલ્યા ગયા હતા.

બીજા દિવસે બાઈકના શો રૂમ પર જઈ તપાસ કરતા તેમણે એક હપ્તામાં મોટરસાયકલ સીઝ કરવામાં આવતી નથી તેમ કહ્યું હતું. જેથી મેં એચડીએફસીના ગોડાઉન પર પણ તપાસ કરી હતી પરંતુ મોટરસાયકલ મળી ન હતી. જેથી બંને ગઠીયા બાઇક લઈને ફરાર થઈ ગયા હોવાથી પોલીસે ગુનો નોંધ્યો છે.