વડોદરામાં નશેબાજ કાર ચાલકે બાઈક સવાર દંપતિને ટક્કર મારતા ફંગોળાયું

  • 7:04 pm March 11, 2024
સિકંદર પઠાણ

 

માંજલપુર પોલીસે કારચાલક સામે દારૂના નશામાં કાર ચલાવવાનો અલગથી ગુનો દાખલ કરી કાર કબજે લીધી

શહેરના સુશેન સર્કલ પાસે નશેબાજ કાર ચાલકે બાઈક સવાર દંપતિને ટક્કર મારતા દંપતિ રોડ પર ફંગોળાયું હતું. નશેબાજ સામે અલગ-અલગ બે ગુના દાખલ કરી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરા નજીકના અણખી ગામે રહેતા રમણભાઈ વણકર નિવૃત જીવન ગુજારે છે. માંજલપુર પોલીસ સ્ટેશનમાં તેમને ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે ગઈકાલે હું અને મારી પત્ની બાઇક પર સુભાનપુરા સ્થિત મારા સાસરીમાં ગયો હતો. ત્યાંથી રાત્રે 8.00 વાગે હું અને મારી પત્ની ઘરે આવવા માટે નીકળ્યા હતા રાત્રે 9 વાગે સુશેન સર્કલ ક્રોસ કરતા હતા. તે સમયે કબીર કોમ્પલેક્ષથી સુશેન સર્કલ તરફ આવતી ફોરવીલર કારના ચાલકે અમારી બાઇકને એક્સિડન્ટ કરતા હું તથા મારી પત્ની નીચે પડી ગયા હતા. મને જમણાં પગમાં ઈજા થઈ હતી જ્યારે મારા પત્નીને કમરના ભાગે ઇજા થઈ હતી. આસપાસના લોકો ભેગા થઈ જતા અમને રોડની સાઈડ પર લઈ ગયા હતા. મેં મારા પુત્રને ફોન કરતા તે સ્થળ પર આવી ગયો હતો. ત્યારબાદ મેં 100 નંબર પર કોલ કરતા પોલીસ આવી ગઈ હતી. અને અકસ્માત કરનાર કાર ચાલકને પોલીસ સ્ટેશન લઈ આવ્યા હતા.

પોલીસ સ્ટેશનમાં પોલીસે ચેક કરતા કારચાલક દારૂના નશામાં હોવાનું જણાઈ આવ્યું હતું. તેનું નામ જયપાલસિંહ ભારતસિંહ ગોહિલ (રહે. ગોપાલપુરા, ગામ-તાલુકો રાજપીપળા, જીલ્લો નર્મદા) હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે તેની સામે દારૂના નશામાં કાર ચલાવવાનો અલગથી ગુનો દાખલ કરી કાર કબજે લીધી હતી.