પાટણ જિલ્લાના રાધનપુર, સાંતલપુર, સમી માટે માઠા સમાચાર: ઉનાળામાં નર્મદા વિભાગ કેનાલમાં પાણી બંધ કરશે

  • 7:29 pm March 14, 2024
અનિલ રામાનુજ

 

31 ની માર્ચથી કેનાલમાં પાણી બંધ કરાશે: ઉનાળુ વાવેતર ને થઈ શકે છે નુકશાન..

પાટણ જિલ્લાના રાધનપુર, સાંતલપુર સહિત સમી તાલુકા માટે માઠા સમાચાર સામે આવ્યા છે. ઉનાળામાં નર્મદા વિભાગ કેનાલમાં પાણી બંધ કરશે જે વાતને લઈને ખેડૂતો ને નુકશાન થવાની શક્યતા સેવાઈ રહી છે.પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતોને દર વર્ષે મોટા પ્રમાણમાં રવિ સીઝનમાં શિયાળુ પાકનું વાવેતર કરી નર્મદા નિગમના કેનાલમાંથી પિયત કરતા હોય છે. ત્યારે સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા 31 માર્ચથી આગામી ઓક્ટોબર માસ સુધી નર્મદા કેનાલમાં પિયત માટે પાણી બંધ કરવામાં આવનાર છે. ત્યારે દરવર્ષે પાણીની બૂમો પડતી હોવાથી આ વખતે નર્મદા કચેરી દ્વારા નર્મદા કેનાલના ભરોસે ઉનાળુ પાકનું વાવેતર નહીં કરવા ખેડૂતોને અગાઉથી જ સાવધાન કરવામાં આવ્યા છે.

પાટણ અને બનાસકાંઠા જિલ્લાના તાલુકામાં જોઈએ તો રાધનપુર, સાંતલપુર,સમી,સુઈગામ,ભાભર,કાંકરેજ,સહિતના તાલુકામાં સરદાર સરોવર નર્મદા નિગમની નીકળતી પ્રશાખા, વિશાખા વગેરે નહેરોમાંથી પાણીનો ઉપયોગ કરતાં હોય છે ત્યારે નર્મદા વિભાગ કચેરી રાધનપુર દ્વારા 31 માર્ચથી કેનાલમાં પાણી છોડવાનું બંધ કરવામાં આવનાર હોઇ બંને જિલ્લામાંથી પસાર થતી નર્મદાની કેનાલોમાં પાણી છોડવાનું બંધ કરવામાં આવશે. જેથી નહેર પર આધારિત ઉનાળુ સીઝનમાં કોઇ પણ પાકનું વાવેતર કરવું નહિ તેવી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.જો કોઈ ખેડૂતો દ્વારા ઉનાળુ પાકનું વાવેતર કરવામાં આવશે તો તેની જવાબદારી ખેડૂતની જ રહેશે.અને સરદાર સરોવર નર્મદા નિગમ હસ્તકની નહેરો પર મૂકવામાં આવેલા હેડ રેગ્યુલટર ગેટને અનધિકૃત રીતે ખોલવામાં આવશે અથવા ગેટને નુકસાન પહોંચાડાશે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી ધરાશે.વધુમાં નર્મદા નિગમની નહેરો ઉપર અનધિકૃત રીતે મૂકેલા મશીનો,પંપ,બકનળીઓ હટાવી દેવા પણ ખેડૂતોને જણાવાયું છે. જો ખેડૂતો મશીનરી નહી ઉઠાવે તો કાયદાકીય રીતે આ પ્રકારની મશીનરી પોલીસની મદદથી જપ્ત કરી દંડનીય કાર્યવાહી કરવામાં આવશે તેવું પણ જણાવ્યું છે.

નર્મદા કચેરી દ્વારા કેનાલના પાણીની અપેક્ષાથી વાવણી ન કરવા, મશીનો ઉઠાવી લેવા સૂચના આપવામાં આવી છે.આગામી 31 માર્ચથી ઓક્ટોબર માસ સુધી સરદાર સરોવર ડેમમાં પાણી માત્ર પીવાના હેતું સાચવી રાખવામાં આવશે.નર્મદા વિભાગ દ્વારા પાણી બંધ થનાર છે ત્યારે હજુ શિયાળું પાક લેવાય છે તે પૂરા થયા પછી પખવાડીયા જેટલા સમય બાદ ઉનાળું બાજરી, ગવાર અને ઘાસચારાનું વાવેતર થતું હોય છે જેને પાણીની જરૂર પડતી હોય છે.ત્યારે રાધનપુર સાંતલપુર તાલુકામાં ગયા વર્ષે ૨૦૦૦ હેકટરમાં ઉનાળું વાવેતર થયું હોવાની વિગત તાલુકા ખેતીવાડી અધિકારીએ જણાવ્યું હતું.