કાલોલ તાલુકાના બાકરોલ ગામના રોડ પર મોટરસાયકલ સાથે ઉભેલા બે કિશોરોને છોટા હાથીના ચાલકે અડફેટે લેતાં બન્નેનું સારવાર દરમ્યાન મોત

  • 7:40 pm March 14, 2024
સેહજાદ પઠાણ

 

 

એક કિશોર ૧૩ વર્ષનો અને બીજો કિશોર હાલમાં એસએસસી બોર્ડની પરીક્ષા આપતો હોય બન્ને કિશોરોના મોતને પગલે બાકરોલ ગામમાં ભારે ગમગીની 

પ્રાપ્ત વિગતો અનુસાર કાલોલ તાલુકાના બાકરોલ ગામના જયેન્દ્રસિંહ નરેન્દ્રસિંહ ગોહિલ (ઉ.વ.૧૬) અને વિશ્વજીતસિંહ સુરેન્દ્રસિંહ ગોહીલ (ઉ.વ.૧૩) એ બન્ને કિશોરો મંગળવારે સાંજે તેમના ઘરની મોટર સાયકલ સાથે કોઈ કામે બહાર નીકળ્યા હોય સાંજના છ એક વાગ્યાના સુમારે ગામની ડીપી પાસેના રોડ ઉપર સાઈડમાં મોટરસાયકલ સ્ટેન્ડ કરીને ઉભા હતા તે વખતે કાલોલ તરફથી એક ટાટા એ.સી. કંપનીની છોટા હાથી ગાડીના ચાલકે પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી આવતા રોડની સાઇડમાં મોટરસાયકલ સાથે ઉભેલા બન્ને કિશોરોને અડફેટે લેતાં બન્ને કિશોરો રોડ ઉપર ફંગોળાઇ ગયા હતા. જેમાં જયેંદ્રસિંહ નરેંદ્રસિંહ ગોહિલને માથા તેમજ શરીરે ગંભીર ઇજાઓ થયેલી જ્યારે નાના વિશ્વજીતસિંહ સુરેદ્રસિંહ ગોહિલને માથા તથા જમણા પગના ઘૂંટણના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. જોકે અકસ્માત સર્જીનાર ટાટા એ.સી. છોટા હાથીના ચાલાકે પોતાની ગાડી રોડની સાઇડમાં ઉભી રાખીને ઈજાગ્રસ્ત બન્ને કિશોરોને આસપાસમાંથી દોડી આવેલા સ્થાનિક લોકોની મદદથી ગામના અન્ય ખાનગી વાહનની મદદથી તાત્કાલિક સારવાર માટે નજીકના કાલોલ રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના ડોક્ટરે પ્રાથમિક સારવાર કરી જયેન્દ્ર ગોહિલને વધુ સારવાર માટે વડોદરા ખાનગી હોસ્પિટલમાં અને નાના વિશ્વજીત ગોહિલને વડોદરા સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. જોકે દુર્ભાગ્યે સિવિલ હોસ્પિટલમાં સારવાર લેતા વિશ્વજીત ગોહિલનું મોડી સાંજે સાડા આઠ વાગ્યે અને ખાનગી હોસ્પિટલમાં સારવાર લેતા જયેન્દ્ર ગોહિલનું રાત્રે સાડા દસના સુમારે મોત નિપજ્યા હતા. આમ અકસ્માત ઘટનાને પગલે એક ધોરણ સાતમાં અને હાલમાં ચાલી રહેલી એસએસસી બોર્ડની પરીક્ષા આપતા અને સોમવારે એક પેપર પણ આપી આવેલા કિશોર સાથે બન્ને કિશોરોના અવસાન પગલે તેમના પરિવારજનો સહિત સમગ્ર ગામમાં ભારે શોક છવાયો હતો. જેથી બન્ને કિશોરોના મોતને પગલે બન્ને કિશોરોના વાલીઓએ કાલોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અકસ્માત સર્જનાર ટાટા એ.સી. કંપનીની છોટા હાથી ગાડી નંબર GJ-17 XX- 2274 ની ગાડીના ચાલાક વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.