કાલોલ પંથકની નર્મદા મુખ્ય કેનાલમાં બાકરોલ-શક્તિપુરા વચ્ચેની સાઈટમાં તંત્રની બેદરકારીને પગલે ફાટો વધીને ગાબડું પડ્યું

  • 8:06 pm March 14, 2024
સેહજાદ પઠાણ

 

 

બે મહિના અગાઉ આ જગ્યાએ નાની મોટી ફાટો પડી હતી જે અંગે સમાચાર માધ્યમથી સાઈટ પર નુકસાન દર્શાવતો રિપોર્ટ ઉજાગર કરવા છતાં તંત્રની લાપરવાહીએ એ ફાટો તુટીને હવે ગાબડું બની જવા પામ્યું છે 

કાલોલ તાલુકા વિસ્તારમાંથી પસાર થતી નર્મદા મુખ્ય કેનાલ સ્થિત બાકરોલ - શક્તિપુરા વચ્ચે કેનાલની ઈનસાઈડ સાઇટમાં બે મહિના પહેલા બે ત્રણ જગ્યાએ અલગ અલગ જગ્યાએ ફાટો પડી હતી જે અંગે તંત્ર દ્વારા અસરકારક સમારકામ કરવાની લાપરવાહીને પગલે ફાટોનું ધોવાણ વધીને સાઈટ તુટીને હવે દસ બાર ફૂટનું  મોટું બોગદું ઉપસી આવ્યું હોવાનું જોવા મળે છે.

પ્રાપ્ત વિગતો અનુસાર કાલોલ તાલુકા વિસ્તારમાંથી પસાર થતી નર્મદા મેઈન કેનાલ સ્થિત બાકરોલ - શક્તિપુરા વચ્ચેની સીસી સાઇટ પૈકી આઈપી સાઇટ ૧૦૫ સીઆર પાસે દોઢ મહિના પહેલા બે ત્રણ અલગ અલગ જગ્યાએ ધોવાણ થતાં સીસી સાઈટ તુટીને નાની મોટી પહોળી ફાટો પડી હોવાનું જોવા મળ્યું હતું. જે અંગે તત્કાલીન સમયે સમાચાર માધ્યમો દ્વારા રિપોર્ટ પણ પ્રકાશિત કરવામાં આવ્યો હતો તેમ છતાં જવાબદાર નર્મદા નિગમ તંત્ર દ્વારા એ ફાટો અંગે અસરકારક સમારકામ કરવાની જગ્યાએ લાપરવાહી દાખવતા નુકસાન અંગે માત્ર રેતી ભરેલી થેલીઓ મુકીને સંતોષ માન્યો હતો જે હલકી કક્ષાના સમારકામની લાપરવાહીને કારણે પાછલા દોઢેક મહિનાથી કેનાલના પાણીનું સ્તર ઓછું વધારે થતાં પાણીની થપાટોને કારણે સાઇટને થયેલું નુકસાન વકરતું જોવા મળી રહ્યું છે. તદ્ઉપરાંત હાલમાં કેનાલમાં વહેતા પાણીની થપાટોને કારણે પણ ફાટોમાં નુકસાન વધતા હાલ દસ બાર ફૂટનું મોટું બોગદું પડેલું જોવા મળે છે. અત્રે ઉલ્લેખનીય છે કે નર્મદા કેનાલ સમગ્ર ગુજરાતની જીવાદોરી સમાન હોય કેનાલની દેખરેખ માટે નર્મદા નિગમ તંત્ર દ્વારા નિર્ધારિત વિસ્તાર સંલગ્ન ચોવીસ કલાક પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે તેમ છતાં પાછલા ઘણા સમયથી કેનાલની સાઈટ તુટેલી હોવાનું પેટ્રોલિંગ ટીમની નજરમાં નહીં હોવા અંગે અસરકારક પેટ્રોલિંગ સામે સવાલો ઉભા થયા છે. જેથી આગામી દિવસોમાં નુકસાન વધારે વકરે તે પહેલાં તંત્ર દ્વારા નુકસાન પામેલ સાઈટોનું અસરકારક સમારકામ સત્વરે કરાવવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.