​ગઢડાના ઈતરીયા સહિત ત્રણ ડેમ ભરવા ખેડૂતોએ આક્રોશ સાથે આવેદનપત્ર પાઠવ્યુ

  • 9:29 pm March 14, 2024
હેમેન્દ્ર મોદી

 

 

ગઢડા(સ્વામીના) શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં ખેતીની જમીન માટે પાણીના તળ નીચે ઉતરી જતા સિંચાઇ માટે માલ ઢોર અને ખેતી માટે કપરા ચઢાણનો સમય નજીક આવી પહોંચ્યો છે. ત્યારે અખૂટ પાણીથી ભરેલા જળાશયો થકી કુદરતી સંપત્તિનો સમયસર ઉપયોગ કરવા અને ખેતી તથા ખેડૂતોને ઉગારી લેવા માટે સૌની યોજના લીંક મારફતે ખાલી જળાશયો ભરવા માટે ખેડુતો તરફથી બુલંદ માંગણી ઉઠવા પામી છે‌.

ખાસ કરીને ગઢડા તાલુકામાં ચૂંટાયેલા પ્રજાના પ્રતિનિધિઓની ભૂમિકા નિષ્ફળ હોય તેવી રીતે લોક સુખાકારી માટે અને પ્રજાના સુખદુઃખ માટે કોઈ અસરકારક પગલા અને રજૂઆત નહી થતી હોવાથી વર્તમાન સમયમાં ખેડૂતોની પરિસ્થિતિ કફોડી બની રહી છે. ત્યારે ગઢડા શહેર અને તાલુકાના વિસ્તારના ખેડૂતો તરફથી બોટાદ રોડ થી મામલતદાર કચેરી સુધી રેલી યોજી સિંચાઇ ના પાણી માટે સરકાર સુધી પોતાનો અવાજ પહોંચાડવા માટે મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતુ. આ દરમિયાન રજૂઆત કરતા જણાવ્યુ હતુ કે ઘેલો-ઈતરીયા, ઘેલા સોમનાથ, ઘેલો-લીંબાળી ડેમમાથી કાયમી ધોરણે સિંચાઈના પાણીની સગવડ મળી રહેતી હતી. પરંતુ તાજેતરના ઓછા વરસાદના કારણે ઉપર વિસ્તારમાં આવેલા ત્રણેય ડેમો ખાલી રહેલા હોઈ ત્રણેય ડેમની ઉપર સૌની યોજના લીંક-2 પાણીની પાઈપ લાઈન પસાર થતી હોવાથી ખાલી  ડેમ ભરવા માટે અવાર નવાર સરકાર સમક્ષ, પ્રતિનિધિઓ સમક્ષ રૂબરૂ તેમજ લેખીતમાં રજુઆતો કરવામાં આવી હોવા છતા અત્યાર સુધીમા ઉપરના ત્રણેય ડેમો ભરવામા આવેલ નથી. જેના કારણે આ વિસ્તારમાં ઘઉં-ચણા-જીરૂ ઘાસ વિગેરેનું વાવેતર હોવાથી અને કુવાના તળ પણ ખાલી થઈ જવાથી  ઉભો પાક પણ સુકાઈ જાય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. ત્યારે ખેડૂતો અને ખેતી માટે એકમાત્ર જીવતદાન આપી શકે તેવી સૌની યોજના લીંક-2 મારફતે ખંભાળા સંપ માંથી તાત્કાલીક ધોરણે ઈતરીયા સહિતના તળીયા ઝાટક થઈ રહેલા ડેમ ભરવામાં આવે અને વર્તમાન નાજુક સમયને સાચવી લેવામાં આવે તે માટે પ્રબળ માંગણી કરવામાં આવી હતી. ઉપરાંત રજૂઆત કરતા જણાવ્યું હતું કે તાત્કાલિક અસરથી ખેડૂતોની જરૂરી માંગણી નહી સ્વીકારાય તો આગામી લોક સભાની ચુંટણીમાં ખેડુતો દ્વારા મતદાનનો બહિષ્કાર અને જરૂરી આંદોલન કરવામાં આવશે.