પાક.માં રમાતી PCL 20-20 ટુર્નામેન્ટ મેચ પર લિંક આધારે મોબાઇલમાં સટ્ટો રમતા બે શખ્સની ધરપકડ
- 9:51 pm March 14, 2024
ક્રાઇમ બ્રાન્ચમી ટીમને પેટ્રોલિંગ દરમિયાન ક્રિકેટ સટ્ટાના જુગાર અંગેની બાતમી મળી હતી
બંને શખસો પાસેથી મોબાઈલ રોકડ મળી કુલ રૂપિયા 40,500નો મુદ્દામાલ કબજે
વડોદરા શહેર પોલીસ કમિશ્નર અને ઉચ્ચ અધિકારીઓની સૂચના આધારે હાલમાં દેશ-વિદેશમાં ઇન્ટરનેશનલ અને ડોમેસ્ટિક 20-20 ક્રિકેટ ટુર્નામેન્ટ રમાઇ રહી છે. જે દરમિયાન ક્રિકેટ મેચનો સટ્ટો રમાડનાર બુકીઓ અને સટ્ટોડીયાની પ્રવૃતિ ઉપર વોચ રાખી કાર્યવાહી અંગે સૂચનો કરવામાં આવી છે. જેને લઇ વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બાતમીના આધારે કાર્યવાહી કરી બે શખસને સટ્ટો રમતા અને રમાડતા ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે.વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચમી ટીમને પેટ્રોલિંગ દરમિયાન ક્રિકેટ સટ્ટાના જુગાર અંગેની બાતમી મળી હતી. જેના આધારે ફતેપુરા ધુળધોયાવાડ નાકા પાસે રેડ કરતાં જાહેરમાં એક બાંકડા ઉપર બેસી મોબાઇલ ફોનમાં જોઇ ચેટીંગ કરતા બે શખસ મળી આવ્યા હતા. પોલીસ પહોંચી ત્યારે આ બંને ભાગી રહ્યા હતા, પરંતુ પોલીસે તેમને ઝડપી લીધા હતા. ક્રાઇમ બ્રાન્ચે અઝહર રફીક પઠાણ (રહે.ધુળધોયાવાડ, ફતેપુરા, વડોદરા) અને મુસ્તકીમ ઉર્ફે હેરી સલીમ જંત્રાલીયા (રહે. મહાત્મા ગાંધી હાઇટસ, અકોટા વડોદરા, મુળ હાલોલ)ની તપાસ કરતા મોહંમદઅઝહર પાસેથી એક આઇફોન-12, આઇટેલ મોબાઇલ સાથે રોકડા રૂપિયા 9,500 સાથે મુસ્તકીમ ઉર્ફે હેરી પાસેથી એક વીવો મોબાઇલ મળી આવ્યો હતો. આ બંને શખસો પાસેથી મોબાઈલ રોકડ મળી કુલ રૂપિયા 40,500નો મુદ્દામાલ કબજે કરી જુગારધારા અન્વયે કુંભારવાડા પોલીસ સ્ટેશનમાં કાર્યવાહી કરવામાં આવી છે.
આ બન્ને શખસો પાસેના મોબાઇલ ફોન ચેક કરતા તેમજ પૂછપરછ કરતાં અનીશ ઉર્ફે ટોમ સૈયદ (રહે.ફતેપુરા પાંજરીગર મોહલ્લો વડોદરા) પાસેથી મેળવેલ DIAMOND EXCH નામની આઇ-ડી લિંક આધારે અઝહર અને મુસ્તકીમ ઉર્ફે હેરીનાઓ ગ્રાહકના સંપર્કમાં રહી હાલમાં પાકિસ્તાનમાં રમાઇ રહેલ PCL- 20-20 ટુર્નામેન્ટની ક્રિકેટ મેચો તેમજ કસીનોમાં ઓનલાઇન સો લગાડી રૂપિયાથી હારજીતનો ક્રિકેટનો સટ્ટો રમતા હોવાની વિગતો મળી હતી.
ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પકડાયેલ આરોપીનો ગુનાહિત ઇતિહાસ સામે આવ્યો છે. જેમાં આરોપી મોહંમદઅઝહર પઠાણ અગાઉ રાયોટીંગના 3, ખુનની કોશીશનો 1, મારામારીના 3 મળી કુલ-6 ગુનામાં સંડોવાયેલ છે. સાથે તેની ગુનાહિત પ્રવૃતીના કારણે એક વખત પાસા હેઠળ જેલમાં ગયેલ છે. સાથે આરોપી મુસ્તકીમ ઉર્ફે હેરી વર્ષ 2022માં ક્રિકેટ સટ્ટાના જુગારમાં કારેલીબાગ પોલીસ મથકમાં પકડાયેલ છે.