આદર્શ આચારસંહિતાના ચુસ્ત અમલીકરણની વ્યવસ્થા સુનિશ્ચિત કરતાં મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતી
- 9:54 pm March 14, 2024
આદર્શ આચારસંહિતાના સુચારૂ પાલન માટે રાજ્યના તમામ જિલ્લાઓમાં તથા રાજ્યકક્ષાએ ઉચ્ચ અધિકારીઓની નોડલ અધિકારી તરીકે નિમણૂંક
નિષ્પક્ષ વાતાવરણમાં ચૂંટણી પ્રક્રિયા સંપન્ન થાય તે માટે ચૂંટણી પ્રક્રિયા સાથે સીધી રીતે સંકળાયેલા ૪૬૦ થી વધુ અધિકારીઓ-કર્મચારીઓની બદલી કરવામાં આવી
કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે નિવારક પગલાંરૂપે રાજ્યભરમાંથી છેલ્લા બે મહિનામાં ૧.૩૨ લાખથી વધુ બિન જામીનપાત્ર વોરન્ટની બજવણી
ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંગેના કાર્યક્રમની જાહેરાત કરવામાં આવે તે દિવસથી જ આદર્શ આચારસંહિતા અમલમાં આવશે. રાજ્યમાં આદર્શ આચારસંહિતાનું પાલન થાય તેવી વ્યવસ્થા સુનિશ્ચિત કરવા મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીએ જણાવ્યું હતું કે, ભારતના ચૂંટણી પંચના માર્ગદર્શનમાં રાજ્યના ચૂંટણી તંત્ર દ્વારા નોડલ અધિકારીઓની નિમણૂંક કરવામાં આવી છે. જ્યારે ૪૬૦ થી વધુ અધિકારીઓ-કર્મચારીઓની બદલી તથા ૧.૩૨ લાખથી વધુ બિન જામીનપાત્ર વોરન્ટની બજવણી સહિતના પગલાં લેવામાં આવ્યા છે.
આગામી લોકસભા ચૂંટણી-૨૦૨૪ દરમિયાન આદર્શ આચારસંહિતાનું સુચારૂ પાલન થાય તે માટે મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી દ્વારા રાજ્યના તમામ જિલ્લાઓમાં તથા રાજ્યકક્ષાએ ઉચ્ચ અધિકારીઓની નોડલ અધિકારી તરીકે નિમણૂંક કરવામાં આવી છે. આ તમામ અધિકારીને આદર્શ આચારસંહિતા અને તેને સંલગ્ન બાબતો તથા તેની અમલવારીની કાર્યપદ્ધતિ અંગે વિસ્તૃત તાલીમ પણ આપવામાં આવી છે. આ ઉપરાંત, મતદારો કોઈ ચોક્કસ બાબતોથી પ્રભાવિત ન થાય અને નિષ્પક્ષ વાતાવરણમાં ચૂંટણી પ્રક્રિયા સંપન્ન થાય તે માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી બદલી અને નિમણૂંકની નીતિ અનુસાર ચૂંટણી પ્રક્રિયા સાથે સીધી રીતે સંકળાયેલા ૪૬૦ થી વધુ અધિકારીઓ તથા કર્મચારીઓની બદલી કરવામાં આવી છે.
ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે આવશ્યક પગલાં લેવા મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતી દ્વારા રાજ્યના તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓ તથા પોલીસ અધિક્ષકોને વિગતવાર સૂચનાઓ આપવામાં આવી છે. જે અંતર્ગત દારૂના વેચાણ, પરવાનાવાળા હથિયારો ધારણ કરવા, હથિયારોના પરવાના આપવા, સોશિયલ મીડિયાના દૂરૂપયોગ, પ્રતિબંધિત વિસ્તારમાં મોબાઈલ-સ્માર્ટ ફોન લઈ જવા અને પ્રચારનો સમયગાળો પૂરો થયા પછી સંબંધિત લોકસભા મતવિસ્તાર સિવાયના રાજકીય કાર્યકર્તાઓની હાજરી જેવી બાબતો પર પ્રતિબંધાત્મક પગલાં લેવા જણાવવામાં આવ્યું છે.
સાથે સાથે પરવાનાવાળા હથિયારો તથા દારૂગોળાની હેરફેર અટકાવવા અને જપ્તિ સંબંધિત, જેલના કેદીઓ પર દેખરેખ અને ચૂંટણીલક્ષી ગુનાઓ પરત્વે હાથ ધરવાની કાર્યવાહી સહિતના કાયદો અને વ્યવસ્થાની જાળવણી સંબંધિત પગલાં ભરવા પણ જિલ્લા ચૂંટણી અધિકારીઓ તથા પોલીસ અધિક્ષકોને સૂચના આપવામાં આવી છે. જે અંતર્ગત રાજ્યભરમાંથી છેલ્લા બે મહિનામાં ૧.૩૨ લાખથી વધુ બિન જામીનપાત્ર વોરન્ટની બજવણી કરવામાં આવી છે. આ ઉપરાંત ચૂંટણી જાહેર થાય તે તારીખથી રાજ્યભરમાં પરવાનાવાળા હથિયારો જમા કરવાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવશે.
રાજ્યમાં શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી પ્રક્રિયા સંપન્ન થાય અને મતદારો નિર્ભય રહીને તથા કોઈપણ પ્રકારે પ્રભાવિત થયા વિના પોતાના મતાધિકારનો વિવેકપૂર્ણ ઉપયોગ કરી શકે તેવી વ્યવસ્થા ઉભી થાય તે માટે રાજ્યના ચૂંટણી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંગેના કાર્યક્રમની જાહેરાત થતાની સાથે જ અમલમાં આવનાર આદર્શ આચારસંહિતાનું સમગ્ર રાજ્યમાં ચુસ્તપણે પાલન થાય તે માટેની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે.