ચાણસ્માના સોજીત્રા થી વસઇ ગામને જોડતો માર્ગ ચાલુ કરવા ગ્રામજનોની ઉગ્ર માંગ..
- 7:52 pm March 15, 2024
રેલ્વે વિભાગ દ્વારા ચાલુ કામમાં રસ્તો બંધ કરાયો: માર્ગ ખુલ્લો નહીં કરાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચિમકી
પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના સોજીત્રા ગામથી તાલુકાના વસઇ ગામને જોડતો માર્ગ પર અત્યારે ચાલી રહેલા રેલ્વે ના કામકાજ દરમિયાન માર્ગ પર આડશો મૂકી ને માર્ગ બંધ કરવામાં આવતાં બંને ગામ સહિત આજુબાજુના નવ જેટલા ગામોને પણ જીલ્લા મથક પાટણ ખાતે જવામાં ભારે તકલીફ પડી રહી હોવાનું ગ્રામજનો દ્વારા જણાવ્યું હતું.ત્યારે સત્વરે રેલ્વે વિભાગ દ્વારા આડશો મૂકી ને બંધ કરવામાં આવેલો માર્ગ ખુલ્લો કરવામાં આવે તેવી બંને ગામ સહિત આજુબાજુના નવ ગામના લોકો દ્વારા ઉગ્ર માંગ કરવામાં આવી છે. તેમજ જો સત્વરે માર્ગ ખુલ્લો નહીં કરવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની પણ ચિમકી ઉચ્ચારી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ ચાણસ્મા ખાતે રણુંજ બેચરાજી રેલ્વે બ્રોડગેજ નું કામકાજ અત્યારે હાલના સમયમાં પુરજોશમાં ચાલી રહ્યું છે ત્યારે ચાણસ્મા તાલુકાના સોજીત્રા ગામથી વસઇ ગામને જોડતો માર્ગ પર રેલ્વે વિભાગ દ્વારા આડશો મૂકી રસ્તો બંધ કરી દેવામાં આવતા બંને ગામ સહિત આજુબાજુના નવ ગામના લોકો ત્યાંથી પસાર ન થઇ શકતાં હોય પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વખત આવ્યો હોવાનું જણાવી રહ્યા છે. ત્યારે સત્વરે રેલ્વે વિભાગ દ્વારા રસ્તો ખુલ્લો કરવામાં આવે તેમજ જો રસ્તો ખુલ્લો નહીં કરવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની નોબત આવશે તેમ ગામલોકોએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું
ગામલોકોને પોતાના ખેતરમાં જવા માટે પડી રહી છે તકલીફ
ચાણસ્મા તાલુકાના સોજીત્રા તેમજ વસઇ ગામના લોકો ની આશરે ૫૦૦ વીઘા જેટલી જમીન આવેલી છે ત્યારે જે જગ્યાએ રેલવે વિભાગ દ્વારા આડશો મૂકી ને કરાયેલા બંધ રસ્તા ને કારણે પોતાના ખેતરમાં જવા માટે પણ ભારે તકલીફ પડી રહી હોવાનું બંને ગામ ના ખેડૂતો દ્વારા જણાવ્યું હતું.
રેલ્વે વિભાગ, મામલતદાર, ટીડીઓ દ્વારા સ્થળ પર મુલાકાત લીધી પણ પરિણામ શૂન્ય:
રજુઆત ને પગલે રેલવે વિભાગ ના અધિકારીઓ ચાણસ્મા મામલતદાર તથા ટીડીઓ દ્વારા બંધ કરવામાં આવેલ સ્થળ ની મુલાકાત કરવામાં આવી હતી પરંતુ આજદિન સુધી રસ્તો ખુલ્લો કરવામાં નહીં આવ્યો હોવાનું જણાવ્યું હતું.