ગઢડા ટેમ્પલ બોર્ડની ચૂંટણી મુદ્દે હાઇકોર્ટમાં અરજી; ચૂંટણી માટે હાઇકોર્ટે ઇલેક્શન ઓફિસર નિયુક્ત કરવા ત્રણ નિવૃત્ત જજો ના નામ મંગાવ્યા

  • 9:27 pm March 15, 2024
હેમેન્દ્ર મોદી

 

ગઢડા(સ્વામીના) મુકામે ગોપીનાથજી દેવ મંદિર ટ્રસ્ટની ચૂંટણી પાંચ વર્ષ પૂર્ણ થતા આ વર્ષે યોજાવાની છે. જે ચૂંટણીમાં વર્તમાન ટેમ્પલ કમિટીએ સીટી સિવિલ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ બી.જે.ગણાત્રા ની ઈલેકશન ઓફિસર તરીકે નિયુક્તિ કરીને ચૂંટણી કાર્યવાહી આગળ શરૂ કરતા હાઇકોર્ટમાં પેન્ડિંગ એસ.સી.એ. 789/2024 ના કામે તારીખ 12-3-2024 ના રોજ નામદાર કોર્ટ દ્વારા હુકમ પસાર કરવામાં આવેલ છે. 

આ બાબતે અરજદાર મૌલિક ભગત વિગેરે તરફથી કરવામાં આવેલી એપ્લિકેશન માટે એડવોકેટ એચ.એમ. પરીખ દ્વારા કરવામાં આવેલી રજૂઆત મુજબ સુપ્રીમ કોર્ટના અને હાઇકોર્ટના હુકમ મુજબ હાઇકોર્ટના નિવૃત્ત જજને ઇલેક્શન ઓફિસર નિયુક્ત કરવા માટેની નોટિસ ઈસ્યુ કરવામાં આવી છે. તેમજ પક્ષકારોને ત્રણ નિવૃત્ત જજો ના નામ તારીખ 19-3-2024 ના રોજ કોર્ટમાં આપવા માટે હુકમમાં જણાવવામાં આવેલ છે. આ સિવિલ એપ્લીકેશન માં અરજદાર તરફથી એવી તકરાર પણ ઉઠાવવામાં આવેલ છે કે શ્રી ગોપીનાથજી દેવ મંદિર ટ્રસ્ટની ચૂંટણી ની કાર્યવાહી નામદાર ગુજરાત હાઇકોર્ટના નિવૃત્ત જજે કરવાની હોય છે. જેની નિયુક્તિ કરવામાં આવેલ નથી. તેવા સંજોગોમાં ટ્રસ્ટ દ્વારા નિવૃત્ત સીટી સિવિલ કોર્ટના જજને ઇલેક્શન ઓફિસર તરીકે નિયુક્ત કરી પ્રાથમિક મતદાર યાદી જાહેર કરી તેની સામે વાંધા મંગાવવામા આવેલ છે. તેમજ પ્રાથમિક મતદાર યાદી સામે મોટી સંખ્યામાં વાંધાઓ લેવામાં આવેલ છે. ઉપરાંત 16 હજાર લોકોનો ધર્માદો વર્તમાન બોર્ડનો વહીવટ કરતા દ્વારા સ્વીકાર કરવામાં આવેલ નથી. તેમજ જે ગામમાં સત્સંગી નથી તેના નામો મતદાર યાદીમાં દાખલ કરવામાં આવેલ છે. તેમજ જે ગામમાં 200 વર્ષથી સત્સંગ છે તેવા ગામોના નામ જ લખવામાં આવેલ નથી. આ સિવાય પાર્ષદ વિભાગમા 40 પાર્ષદોના નામો ખોટી રીતે ઉમેરવામાં આવેલ છે. આ મતદાર યાદી સામે જે પણ હરિભક્તોએ ટ્રસ્ટમાં પૈસા જમા કરાવેલા હોય કે ટ્રસ્ટીઓ પાસે પૈસા જમા કરાવેલ હોય તેવા મતદારોના નામ મતદાર યાદીમાં સમાવેશ કરવામાં આવેલ નથી. જેના કારણે મતદાર યાદી નિયમ અનુસાર બનાવવામાં આવેલ નથી. વિગેરે તકરારો સી.એ. માં લેવામાં આવેલ છે. જે તમામ બાબતોને તારીખ 19-3- 2024 ના રોજ સાંભળીને નિકાલ કરવામાં આવશે.