રાજસ્થાનથી બાઇક લઈને અંકલેશ્વર ચોરી કરવા આવેલા 2 શખ્સો ઝડપાયા; બન્ને તસ્કરો રાજસ્થાનથી બાઈક લઈને આવ્યા હતા
- 9:34 pm March 15, 2024
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર GIDC વિસ્તાર સ્થિત પશુપતિનાથ મંદિરમાં રાજસ્થાનના તસ્કરોએ ધાડ મારી હતી. આ મામલે ભરૂચ LCB પોલીસે 2 શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર GIDC વિસ્તાર સ્થિત પશુપતિનાથ મંદિરમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલી પોલીસે 2 તસ્કરોને ઝડપી પાડ્યા છે. રાજસ્થાની ઇસમે આપેલી ટીપના આધારે મંદિરમાં ચોરીનો કારસો રચવામાં આવ્યો હતો અને તેમાં સંડોવાયેલા 2 આરોપીને વોન્ટેડ જાહેર કરાયાં છે. પશુપતિનાથ મંદિરમાં ગત તા. 5મી ફેબ્રુઆરી 2024ના રોજ ચોરીની ઘટના બની હતી. જ્યાં તસ્કરો મંદિરમાંથી સાડા પાંચ કીલો ચાંદીની ચોરી કરવામાં સફળ રહ્યા હતા.
ચોરીમાં સંડોવાયેલા 2 શખ્સો અંકલેશ્વર હાઈવે પર મહાદેવ હોટલ પાસે હોવાની ભરૂચ LCB પોલીસને બાતમી મળી હતી. જેના આધારે છાપો મારીને રાજસ્થાનના જોધપુરના દુંદાળા ગામના હરીશ હરારા મમાલી અને શિરોહીના જાવલ ગામના ગોવિંદકુવારામ રાણાને ઝડપી પાડ્યા હતા. પોલીસે તેમની કડક પૂછપરછ કરતાં તેમણે મંદિરમાં ચોરીના ગુનાની કબૂલાત કરી હતી. તેઓ ગોવિંદ અને પારસ નામના અન્ય 2 સાગરિતોના કહેવાથી રાજસ્થાનથી બાઈક લઈને અંકલેશ્વરના પશુપતિનાથ મંદિરમાં ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો.
ચોરી કર્યા બાદ તેઓએ અમદાવાદના સુરેશ સોનીનો સંપર્ક કરી ચોરીની મૂર્તિઓ વેચી દીધી હતી. ઝડપાયેલાં બન્ને તસ્કરો ફરી ચોરી કરવા માટે આવ્યા હતા, પરંતુ પોલીસને બાતમી મળી જતાં તેઓ પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા. આરોપીઓ પાસેથી ચોરી કરવા માટે વપરાતા સાધનો સહિત રૂ. 62 હજારનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે રાજસ્થાનના પારસ માલી અને અમદાવાદના સુરેશ સોનીને વોન્ટેડ જાહેર કર્યા છે.