વડોદરામાં નમાજ પઢવા ગયેલા યુવકના મોપેડની ડીકી ખોલી 5 લાખની ચોરી કરનાર બે આરોપી ઝડપાયા
- 9:42 pm March 15, 2024
વડોદરામાં ઘર પાસે મોપેડ પાર્ક કરીને નમાજ પઢવા ગયેલા યુવકના મોપેડની ડીકી ખોલી પાંચ લાખ રોકડા બે આરોપી લઇ ગયા હતા. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરી બે આરોપીઓને ઝડપી પાડયા છે.
વડોદરા શહેરના યાકુતપુરા દાઉદ શહીદ ચોકમાં રહેતો જીયાઉદ્દીન સીરાજુદ્દીન સૈયદ તેના બનેવીની પાદરા જાસપુર રોડ પર આવેલી સ્ક્રેપની દુકાનમાં નોકરી કરે છે. સિટિ પોલીસ સ્ટેશનમાં તેણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગઈકાલે સવારે સવા આઠ વાગ્યે હું મારૂં મોપેડ લઈને નોકરી ગયો હતો. સવા ચાર વાગ્યે મારા બનેવીએ મને કહ્યું હતું કે, મારે સ્ક્રેપના રૂપિયા સાધના ટોકીઝની ગલીમાં શ્રી ગણેશ નામની આંગડિયા પેઢીમાં આવેલા છે. તે રૂપિયા લઈને મારા ઘરે આપી દેજો. જેથી, હું મારું મોપેડ લઈને પાદરાથી વડોદરા શ્રી ગણેશ આંગડિયા પેઢી સાંજના પાંચ વાગ્યે આવ્યો હતો. મારા બનેવી સાથે વાત કરાવ્યા બાદ આંગડિયા પેઢીવાળાએ મને ૮.૬૧ લાખ રૂપિયા રોકડા આપ્યા હતા. તે રૂપિયા પ્લાસ્ટિકની થેલીમાં મૂકીને તે થેલી મોપેડની ડીકીમાં મૂકી હતી. ત્યારબાદ મારા અઝાનનો ટાઈમ થતો હોય અને મારે રોઝા ખોલવાના હોવાથી હું મારા બનેવીના ઘરે ગયો ન હતો અને સીધો મારા ઘરે ગયો હતો. અમારા ઘરની ગલી નાની હોય મોપેડ મારા ઘર સુધી જતું ન હોવાથી મારા ઘરની ગલીની આગળ પાર્ક કર્યું હતું. રૂપિયા ભરેલી થેલી ડીકીમાં જ રાખીને નમાજ પઢવા ગયો હતો. નમાઝ પઢીને ૨૦ મિનિટ પછી પાછો આવ્યો અને ડીકી ખોલી મારા ચશ્મા અને ટોપી મૂકવા જતા રૂપિયાની થેલી ખુલ્લી જણાઈ હતી. તેમાંથી અઢી અઢી લાખના બે બંડલ ઓછા હતા.
ડીસીબી પોલીસે મળેલી માહિતીના આધારે વસીમખાન યુસુફખાન પઠાણ (રહે.કાસમઆલા કબ્રસ્તાન પાસે, કારેલીબાગ) તથા મહંમદહુસેન અર્શદભાઇ મિર્ઝા (રહે. ભાંડવાડા, ફતેપુરા) ને ઝડપી પાડી ૪.૩૧ લાખ કબજે કર્યા છે. વસીમ વિરૂદ્ધ અગાઉ ૧૫ અને મહંમદહુસેન વિરૂદ્ધ અગાઉ છ ગુના નોંધાયા છે.