પદ્માવતી શોપિંગ સેન્ટર તોડવાના મુદ્દે ધમાસાણ, દુકાનો સજ્જડ બંધ રાખી વેપારીઓનો વિરોધ

  • 9:43 pm March 15, 2024
સિકંદર પઠાણ

 

કોર્પોરેશન વર્ષો જૂનું જર્જરિત શોપિંગ સેન્ટર તોડી હેરિટેજ સિટી સ્ક્વેર બનાવશે!

વેપારીઓ ભાજપ કાર્યાલય ખાતે રજૂઆત કરવા પહોંચ્યા, વેપારીઓએ કહ્યું અમને પહેલા વૈકલ્પિક જગ્યા આપવામાં આવે, બાદમાં દુકાનો ખાલી કરીશું

વડોદરા શહેરની હેરિટેજ સિટીની ઓળખ પુનઃ સ્થાપિત કરવાના ભાગરૂપે ન્યાય મંદિર પાસે આવેલી પદ્માવતી શોપિંગ સેન્ટર તોડવાનો નિર્ણય વેપારીઓ સાથે મળીને કરવામાં આવ્યો હતો તે બાદ આજે આખરી નિર્ણય ભારતીય જનતા પાર્ટીની સંકલન સમિતિ કરવાની છે ત્યારે આજે પદ્માવતી શોપિંગ સેન્ટરના વેપારીઓએ કાયમી વૈકલ્પિક જગ્યા જ્યાં સુધી થાય નહીં ત્યાં સુધી પદ્માવતી શોપિંગ સેન્ટર નહીં તોડવાની માંગણી સાથે આજે તમામ દુકાનો બંધ રાખી વિરોધ નોંધાવ્યો હતો. સાથે સાથે વેપારીઓ ભાજપ કાર્યાલય ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા.આજે વર્તમાનપત્રોમાં પદ્માવતી દેવી શોપિંગ સેન્ટર એસોસિએશનના નામથી જાહેરાત આવ્યા બાદ વેપારીઓમાં રોષ જોવા મળ્યો હતો. આજે આ જાહેરાત જોતા જ વેપારીઓ ચોંકી ઊઠ્યા હતા અને વેપારીઓએ દુકાનો બંધ રાખી તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો. વેપારીઓનું કહેવું છે કે, અમે દુકાનો ખાલી કરવા તૈયાર નથી. અમને પહેલા વૈકલ્પિક જગ્યા આપવામાં આવે, બાદમાં દુકાનો ખાલી કરીશું.કોર્પોરેશન દ્વારા ભાડા પેટે આપવામાં આવેલી આ દુકાનોને લઈ ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. વર્ષો જૂનું શોપિંગ સેન્ટર હોવાથી જર્જરિત હાલતમાં છે અને હવે કોર્પોરેશન તોડી હેરિટેજ સિટી સ્ક્વેર બનાવવા માગે છે. જેના કારણે પદ્માવતી શોપિંગ સેન્ટર તૂટતા 230 વેપારીઓ રોડ પર આવી જશે. જેથી વૈકલ્પિક વ્યવસ્થાકરી આપવામાં આવે તેવી માગ સાથે આજે શહેર ભાજપ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા. એસોસિએશનના હોદ્દેદારો અને વેપારીઓ સામસામે પદ્માવતી દેવી શોપિંગ સેન્ટર એસોસિએશનના હોદ્દેદારો અને વેપારીઓ સામસામે આવ્યા છે. હોદ્દેદારોએ જાહેરાત આપી દુકાનો ખાલી કરવા તૈયાર છે પરંતુ પાલિકા પહેલા વૈકલ્પિક જગ્યા આપશે ત્યાં જઈશું. વર્ષોથી કોર્પોરેશનની દુકાનો પર કબ્જો જમાવનાર વેપારીઓ હવે કોર્પોરેશન સામે લાલા આંખ કરી રહ્યું છે. વેપારીઓને કોર્પોરેશને 99 વર્ષના ભાડા પટ્ટે દુકાનો આપી છે.આ અંગે વેપારી અશોક ગાંગવાનીએ જણાવ્યું હતું કે, અમે વર્તમાનપત્રમાં જાહેરાત આપી નથી. ભાજપ સંકલન સાથે બેઠક ચાલી રહી છે. તેવામાં પેપરમાં આવી જાહેરાત આવતા વેપારીઓ ચિંતામાં મૂકાયા છે. અમે ભાડુઆત છીએ, માલિક નથી, પરંતુ છેલ્લા 50 વર્ષથી દુકાન ભાડુઆત તરીકે ચલાવીએ છીએ. આજે અમે કયાં જઈશું. જ્યાં સુધી અમને વૈકલ્પિક વ્યવસ્થા નહીં મળે ત્યાં સુધી અમે દુકાનો ખાલી કરીશું નહીં. હાલ ભાજપ શહેર કાર્યાલય ખાતે સંકલન સમિતિની મહત્વની બેઠક શરૂ થઈ છે. જેમાં શહેર અધ્યક્ષ, મહામંત્રી, ધારાસભ્યો, મેયર સહિતના આગેવાનો હાજર છે. વેપારીઓ પ્રતિક્ષા કરી રહ્યા છે કે, શું નિર્ણય આવશે.

વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડો.વિજય શાહે જણાવ્યું હતું કે, વેપારીઓની રજૂઆત હતી કે, જ્યાં સુધી વૈકલ્પિક જગ્યા ન મળે ત્યાં સુધી અહીંયા જ ધંધો કરવા દો. સિંધી સમાજ વર્ષોથી ભાજપ સાથે જોડાયેલો છે. હેરિટેજનો વારસો જાળવવા તમામની જવાબદારી કોર્પોરેશન કે ભાજપે વર્તમાનપત્રમાં જાહેરાત આપી નથી. વેપારીના લેટર પેડનો ઉપયોગ થાય તો જ વર્તમાનપત્રોમાં જાહેરાત આવે. કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની સંકલન બેઠકમાં નક્કી થશે કે, પદ્માવતી શોપિંગ સેન્ટરનું શું કરવું? વેપારી અને શહેરનું હિત જળવાય એવો નિર્ણય લઈશું.