વડોદરામાં ખાનગી કંપનીના મેનેજરે વિદેશની કંપનીના ઓર્ડર સાળાને આપી 2 કરોડની છેતરપિંડી આચરી
- 9:44 pm March 15, 2024
સારાભાઈ કેમ્પસમાં આવેલી કંપનીના 2 કર્મચારીઓએ કંપનીના ઓર્ડરો બારોબાર એક આરોપીના સાળાની કંપનીને આપીને 2 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હતી. જેથી કંપનીને આ વાત ધ્યાને આવતા કંપનીએ બંને કર્મચારીને બરતરફ કરી દીધા હતા અને તેમની વિરુદ્ધમાં છેતરપિંડીની ગોરવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
ગેંડા સર્કલ પાસે આવેલા સારાભાઈ કેમ્પસમાં આવેલી ખાનગી કંપની ફાર્માસુટીકલના પ્રોડક્સ એક્સપોર્ટ કરે છે, તેમની કંપનીમાં પ્રદિપસિંહ વિશ્વનાથ સિંહ બિઝનેશ ડેવલોપર તરીકે નોકરી કરે છે અને શિવાનંદ બી રાજપુત લોજીસ્ટીક મેનેજર તરીકે નોકરી કરતા હતા. તેમની કંપની આફ્રિકા કાઝકીસ્તાન, બાલી, નેઝર, કેમરૂન અને જાંબીયા જેવા દેશમાં પ્રોડક્ટ એક્સપોર્ટ કરતા હતા. એક્સપોર્ટને લગતી તમામ ડેટા પ્રદિપસિંહ અને શિવાનંદ પાસે રહેતી હતી.
ઓગસ્ટ 2023માં અવિષેકદાસ ગુપ્તાની બિઝનેશ ડેવલોપર તરીકે નિમણુંક કરવામાં આવી હતી. તેઓએ તપાસ કરતા તેઓને જાણવા મળ્યું હતું કે, કંપનીને મળતા ઓર્ડર પ્રદિપસિંહ તેના સાળા વિજયાનંદ રાજપુતની કંપનીને આપી દેતા હતા. જેથી અવિષેકદાસ કંપનીના સત્તાધીશોને જાણ કરી હતી. તપાસમાં જણવા મળ્યું હતું કે, અવિષેકદાસની કંપની જે કંપની પાસેથી ફાર્માસુટીકલ પ્રોડક્સ લેતા હતા તેવી 5 કંપનીઓ પાસેથી વિજયાનંદ પોડક્સ બનાવીને એક્સપોર્ટ કરતો હતો.
આ હેરાફેરીમાં નફાના 60 ટકા પ્રદિપસીંગને અને 20 ટકા શિવાનંદ રાજપૂતને મળતા હતા.જેથી કંપનીએ શિવાનંદને બરતરફ કર્યા હતા. આ ઉપરાતં પ્રદિપસિંહ તેમના સાળાની બીજી કંપનીને સીધો ઓર્ડર મોકલી આપતો હતો. જેથી તેમનો સાળો અવિષેકદાસની કંપની જે 7 કંપનીઓ પાસેથી પ્રોડક્સ લેતી હતી તેની પાસેથી લઈને સીધુ વિદેશ એક્સપોર્ટ કરી દેતો હતો. આમ તેઓએ કંપનીને 2 કરોડનું નુક્સાન પહોંતાડ્યું હતું. જેથી અવિષેકદાસે આ અંગે છેતરપિંડીની ગોરવા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.