પાટણમાં ચૂંટણી પ્રચાર દરમ્યાન રાજકીય પક્ષો અને ઉમેદવારો માટે અધિકૃત વાહનોના દુરુપયોગ પર પ્રતિબંધ મુકતા જિલ્લા મેજિસ્ટ્રેટ અરવિંદ વિજયન

  • 7:15 pm March 18, 2024
અનિલ રામાનુજ

 

ચૂંટણી પ્રચારમાં ઉપયોગમાં લેવાનાર વાહનમાં જો વધારાની એસેસરીઝ ફીટ કરાવેલ હશે તો તેના માટે આર.ટી.ઓ.ની મંજુરી રજુ કરવાની રહેશે

ભારતના ચૂંટણી પંચ દ્વારા આગામી લોકસભા સામાન્ય ચૂંટણી-2024 નો કાર્યક્રમ જાહેર કરેલ છે તે મુજબ ગુજરાત રાજયમાં મતદાનની તા.07/05/2024 નકકી કરવામાં આવેલ છે. તેમજ મત ગણતરીની તા.04/06/2024 ની નકકી કરવામાં આવેલ છે. ચૂંટણી દરમ્યાન રાજકીય પક્ષો અને ઉમેદવારો ચૂંટણી અધિકારીની યોગ્ય પરવાનગી વગર ચૂંટણી પ્રચારમાં વાહનોનો ઉપયોગ કરે છે. તેમજ ચૂંટણી અધિકારીએ આપેલ પરવાનગી વાહનો પર યોગ્ય રીતે દર્શાવતો હુકમ દેખાય તેમ વિન્ડસ્ક્રીન ઉપર દર્શાવતા નથી. જેથી ચૂંટણી પ્રચાર દરમ્યાન અધિકૃત વાહનોના દુરુપયોગ પર પ્રતિબંધ મુકવો યોગ્ય જણાય છે. ભારતના ચૂંટણી પંચે પણ આ અંગે જરૂરી દિશા સુચનો જારી કરેલ છે.

તેથી જિલ્લા મેજીસ્ટ્રેટ અરવિંદ વિજયન (આઈ.એ.એસ.), પાટણ દ્વારા જિલ્લામાં રાજકીય પક્ષો અને ઉમેદવારો દ્વારા ચૂંટણી પ્રચારના ઉપયોગમાં લેવાનાર વાહનોના દુરુપયોગ અટકાવવા સારૂ તા.16/03/2024 ના 17.00 કલાકથી તા.06/06/2024 ના 24.00 કલાક (તે દિવસો સુધ્ધાંત) સુધી જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. 

1. કોઈ પણ રાજકીય પક્ષો કે બિન રાજકીય પક્ષો તેમનાં ઉમેદવારો કે તેની સહમતિથી બીજા કોઈ વ્યકિત દ્વારા ચૂંટણી પ્રચાર માટે વાહનોનો ઉપયોગ કરવામાં આવે તેવા તમામ વાહનો ચૂંટણી ઉમેદવારે તેમનાં ચૂંટણી અધિકારીશ્રી પાસે રજીસ્ટર કરાયેલ વાહન માટે અરજી કરી પરમીટ મેળવી લેવાની રહેશે અને અસલ પરમીટ જ વાહનોની ઉપર સહેલાઈથી દેખાય આવે તે રીતે વિન્ડ સ્ક્રીન પર ચોડવાની રહેશે. કોઈપણ સંજોગોમાં પરમીટની ફોટોકોપી ચાલશે નહિ, ઉપરાંત પરમીટ મેળવ્યા સિવાય અને વાહન રજીસ્ટર કરાવ્યા સિવાય કોઈપણ વાહનનો ચૂંટણી પ્રચાર માટે ઉપયોગ કરી શકાશે નહીં. આ નિયંત્રણો યાંત્રિક શકિતથી કે અન્ય રીતે ચાલતા તમામ વાહનોને લાગુ પડશે.

2. કેન્દ્ર કે રાજય સરકારના મંત્રીઓ વગેરે ચૂંટણી પ્રચાર કાર્ય અથવા ચૂંટણીને સંબંધકર્તા બાબતો અંગે કોઈપણ જાતની મુસાફરીમાં સરકારી વાહનોનો બિલકુલ કરી શકશે નહી. સરકારી વાહનો ઉપરાંત રાજય સરકારના સાહસો, સંયુક્ત સાહસો, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ, નિગમો, નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓ, ખરીદ-વેચાણ સંઘો, મહાસંઘો, સહકારી સોસાયટીઓ, જિલ્લા-તાલુકા પંચાયતો તેમજ જાહેરનાણાનો જરા પણ હિસ્સો હોય તેવી કોઇપણ સંસ્થાઓના વાહનોનો ચૂંટણી પ્રચાર માટે બિલકુલ ઉપયોગ કરી શકાશે નહીં.

3. રાજકીય પક્ષો અને ઉમેદવારો તેઓને આપેલ વાહન પરમીટની ઝેરોક્ષ કરાવીને દુરૂપયોગ કરે છે તે ક્ષતિ નિવારવા ચૂંટણી પ્રચાર માટે વાહનોની આપેલ પરમીટનું લિસ્ટ તેમજ જો કોઈ વધારાની પરમીટ આપી હોય તો તે સહિતનું લિસ્ટ ચૂંટણી નિરીક્ષકઓને આપવાનું રહેશે.

4. ભારતીય ચૂંટણી આયોગના આદેશ મુજબ કોઇપણ સંજોગોમાં રાજકીય પક્ષ કે ઉમેદવાર કે ચૂંટણી એજન્ટે ચૂંટણીના પ્રચાર માટે કાફલામાં 10 થી વધુ વાહનો એકી સાથે લઈ જઈ શકશે નહી. તેવું ઠરાવેલ છે. આથી ચૂંટણી આયોગના આદેશની અમલવારી કરવા આ જિલ્લામાં આવેલ તમામ રાજકીય પક્ષો, ઉમેદવારો અને તેમના ચૂંટણી એજન્ટોને ફરમાવવામાં આવે છે કે ચૂંટણીના પ્રચાર માટે જતા કાફલામાં એકી સાથે 10 થી વધુ વાહનો લઈ જઈ શકાશે નહી.

5. ચૂંટણી પ્રચારમાં ઉપયોગમાં લેવાનાર વાહનમાં જો વધારાની એસેસરીઝ ફીટ કરાવેલ હશે તો તેના માટે આર.ટી.ઓ.ની મંજુરી રજુ કરવાની રહેશે.

6.આ સુચનાઓનો અમલ પોલીસ અધિકારીએ વાહનોની ચકાસણી દરમિયાન કરવાનો રહેશે. આ હુકમ સમગ્ર પાટણ જિલ્લા વિસ્તારમાં લાગુ પડશે.  આ જાહેરનામાના ભંગ અગર ઉલ્લંઘન કરનાર શખ્સ ભારતના ફોજદારી અધિનિયમની કલમ-188 મુજબ શિક્ષાને પાત્ર થશે.