નર્મદા જિલ્લા ચૂંટણી અધિકારી શ્વેતા તેવતિયાએ ચૂંટણી અંગે કરાયેલી પૂર્વ તૈયારીઓની આપી માહિતી

  • 7:38 pm March 18, 2024
વસિમ મેમણ

 

ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકસભાની સામાન્ય ચૂંટણી જાહેર કરવામાં આવતાની સાથે જ અમલમાં આવેલી આદર્શ આચાર સંહિતાના અમલીકરણ સહિતની માહિતી આપતા જિલ્લા ચૂંટણી અધિકારી શ્વેતા તેવતિયાએ જણાવ્યું કે, નર્મદા જિલ્લામાં સમાવિષ્ટ થતા ભરૂચ અને છોટાઉદેપુર લોકસભા મતવિસ્તારની બેઠકમાં મુક્ત અને ન્યાયી ચૂંટણી યોજવા માટે તમામ પ્રકારની તૈયારીઓ કરી દેવામાં આવી છે. 

જિલ્લા ચૂંટણી અધિકારી તેવતિયાએ પત્રકારો સાથે સંવાદ સાધતા જણાવ્યું કે સમગ્ર નર્મદા જિલ્લામાં કુલ બે લોકસભા મતવિસ્તારોનો સમાવેશ થાય છે. જેમાં 21 છોટાઉદેપુરમાં નાંદોદ વિધાનસભા બેઠક અને 22 – ભરૂચમાં દેડિયાપાડા વિધાનસભા મત વિસ્તારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. 

સમગ્ર નર્મદા જિલ્લાના મતદારોની સંખ્યાની અદ્યતન વિગતો આપતા તેમણે કહ્યું કે, જિલ્લામાં 2.30 લાખ પુરુષ, 2.28 લાખ મહિલા, 07 અન્ય મળી કુલ 4.59 લાખ મતદારો છે. જિલ્લામાં સંવેદનશીલ 133 મતદાન મથકો નિયત કરી વેબકાસ્ટિંગ કરવામાં આવશે. તમામ વિધાનસભા મત વિસ્તાર દીઠ ૭ સખી, એક યુવા, એક દિવ્યાંગ, એક મોડેલ મળી કુલ 18 વિશેષ મતદાન મથકોનું નિર્માણ કરવામાં આવશે. પૂરતી સુરક્ષા વ્યવસ્થા સાથે મતદાન પ્રક્રીયા હાથ ધરવામાં આવશે.

આદર્શ આચાર સંહિતા સંબધે તેમણે કહ્યું કે, આદર્શ આચાર સંહિતાના અમલ માટે નોડેલ અધિકારીની નિયુક્તિ કરવામાં આવી છે. સમગ્ર ચૂંટણી પ્રક્રીયાની વિવિધ કામગીરી માટે કુલ 21 નોડેલ અધિકારીઓની નિયુક્ત કરી દેવામાં આવી છે. સાથે જ 06 ફ્લાઇંગ સ્ક્વોર્ડ, 06 સ્ટેટિક સર્વેલન્સ ટીમ, 04 વિડીઓ સર્વેલન્સ ટીમ, 02 વિડીઓ વ્યુઇંગ ટીમની રચના કરવામાં આવી છે. અંદાજે 5500 જેટલો મતદાન સ્ટાફ, 4600 જેટલો પોલીસ સ્ટાફ ફરજમાં જોડાશે.  મતદાન માટે કુલ 921 બેલેટ યુનિટ, 851 કન્ટ્રોલ યુનિટ અને 913 વીવીપેટનો ઉપયોગ થશે.  

દિવ્યાંગ મતદારો અને 85 વર્ષથી ઉપરના મતદારો માટે હોમ વોટિંગ ઉપરાંત મતદાન મથક ખાતે શક્ય હોય ત્યાં વ્હીલચેર સ્વયંસેવક તેમજ બેસવાની વ્યવસ્થા કરવામાં આવશે. મતદાર જાગૃતિના કાર્યક્રમો સમગ્ર જિલ્લામાં ચલાવવામાં આવી રહ્યા છે. ફરિયાદ નિવારણ માટે 24X7 કલાક કાર્યરત કન્ટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. નાગરિકોની ફરિયાદનું 100 મીનિટની અંદર નિવારણ લાવવાનો પ્રયત્ન કરવામાં આવશે. 

ભરૂચ અને છોટાઉદેપુર લોકસભા મતવિસ્તાર માટે તા. ૧૨ એપ્રિલના રોજ જાહેરનામુ પ્રસિદ્ધ થશે. તા. ૧૯ એપ્રિલ સુધી ઉમેદવારી પત્રો ભરી શકાશે. તા. ૨૦ એપ્રિલના રોજ ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવશે. તા. ૨૨ એપ્રિલ સુધી ઉમેદવારી પત્રો પરત ખેંચી શકાશે. તા. ૭ મેના રોજ મતદાન થશે અને સમગ્ર દેશ સાથે તા. ૪ જૂનના રોજ મતદાન ગણતરી થશે. તેના બે દિવસ પછી ચૂંટણી પ્રક્રીયા પૂર્ણ થશે