ગંગાસતી પાનબાઇ સમઢિયાળા આશ્રમ ખાતે 131મી પુણ્યતિથી નિમિત્તે ભાગવત સપ્તાહનો પ્રારંભ..

  • 7:47 pm March 18, 2024
હેમેન્દ્ર મોદી

 

આત્મ સૂઝની અમિરાઈ દ્વારા ઈશ્વર સમીપ પહોંચેલા ગંગાસતી પાનબાઈના સુપ્રસિદ્ધ સમઢિયાળા આશ્રમ ખાતે સંત કહળસંગજી તથા ગંગાસતી પાનબાઇ ની 131મી પુણ્યતિથી નિમિત્તે ભાગવત સપ્તાહનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

ભક્તિ અને ભજનની દુનિયામાં અંતરની સૂઝથી લીન બની સરળ ભાષામાં આત્માના ઉદગાર થકી "વીજળીના ચમકારે, મોતીડા પરોવો પાનબાઈ" જેવા અનેક ભવસાગર પાર કરવાના ઉપદેશથી ભરેલા ભજનોની ભેટ આપનાર ગંગાસતી પાનબાઈ ની જગ્યા ખાતે અમદાવાદ (ઇસ્કોન)ના કુંડલ કૃષ્ણદાસજીના વ્યાસાસને તા.16-3-2024 થી તા.22-3-2024 સુધી દરરોજ સવારે 8-30 થી બપોરે 12-30 સુધી શ્રીમદ્ ભાગવત કથાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ સપ્તાહના યજમાન તરીકે રાજપીપળા (સુરત)ના નરેશભાઈ મનજીભાઈ મીયાણી તથા બાબુભાઈ જીવરાજભાઈ ડુંગરાણી પરિવાર ધર્મલાભ લઈ રહયો છે. આ સપ્તાહમાં જુદા જુદા ધાર્મિક પ્રસંગોની ધામધૂમપૂર્વક ઉજવણી ઉપરાંત ટીંબી સ્થિત નિર્દોષાનંદજી હોસ્પિટલના લાભાર્થે રક્તદાન કેમ્પ અને દરરોજ મહા પ્રસાદ વિગેરે સુંદર આયોજનો ગંગાસતીજી ચેરીટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ અરવિંદભાઈ નારોલા, ઉપપ્રમુખ ઘનશ્યામસિંહ ગોહિલ, મંત્રી મહાવીરસિંહ ગોહિલ તથા ટીમ અને સેવક સમુદાય દ્વારા હાથ ધરવામાં આવ્યા છે.