રાજકોટમાં વેક્સિનેશનને પ્રોત્સાહનઃ ૭૦૨ મહિલાઓને સોનાની નાકની ચૂક ભેટમાં અપાઇ

  • 6:41 pm April 5, 2021

ફેબ્રુઆરીના અંતથી ફરી એક વખત કોરોનાના કેસની સંખ્યામાં સતત વધારો જાેવા મળી રહ્યો છે. ત્યારે કોરોનાના સંક્રમણને રોકવા માટે સરકાર વધારેમાં વધારે લોકોને વેક્સિન આપી રહી છે. તેવામાં રાજકોટના સોની સમાજના અરવિંદભાઈ પાટડિયાએ વેક્સિનેશનને પ્રોત્સાહન આપતી એક નવી પહેલ કરી છે. આ વેક્સિનેશન કાર્યક્રમમાં જે મહિલાઓએ વેક્સિન લીધી તે દરેકને સોનાની નાકની ચૂક ભેટમાં આપી છે. આ સાથે જ ભાઈઓને હેન્ડ બ્લેન્ડરની ભેટ આપવામાં આવી છે.

સોની સમાજે શુક્રવાર અને શનિવાર બે દિવસ વેક્સિનેશન કેમ્પનું આયોજન કર્યું હતું. તેમાં લોકોને રસી મૂકાયા બાદ એક ખાસ ભેટ પણ આપવામાં આવી હતી. જે પણ મહિલા વૅક્સિન લઈ રહી છે, તેને સોનાના દાગીનાની ભેટ આપવામાં આવી હતી. જેમાં મહિલાઓને નાકમાં પહેરવાની સોનાની ચૂક અને પુરુષોને હેન્ડ બ્લેન્ડર ગિફ્ટમાં આપવામાં આવી હતી. બે દિવસ કેમ્પ દરમ્યાન અરવિંદભાઇ પાટડીયા દ્વારા કુલ ૭૦૨ બહેનોને સોનાની ચૂક ભેટમાં આપવામાં આવી છે, જ્યારે ૫૩૧ ભાઇઓને હેન્ડ બ્લેન્ડરની ભેટ આપવામાં આવી હતી.