છેલ્લા ત્રણ દિવસમાં કુલ ૧,૩૪૬ સીલ મારવામાં આવ્યા

  • 6:46 pm April 5, 2021

શહેરમાં વધતા જતી આગની ઘટનાને રોકવા માટે સુરત મહાનગરપાલિકા ફાયર વિભાગ દ્વારા સમગ્ર શહેરમાં હોટલ, રેસ્ટોરન્ટ, શોપિંગ કોમ્પ્લેક્સ, ઓફિસ, દુકાનો વગેરે જગ્યા ઉપર ફાયર સેફટીના સાધનોની અપૂરતી સુવિધાને કારણે સીલ મારવામાં આવી છે, ત્યારે રવિવારે રાત્રે પણ સુરતના અડાજણ ફાયર સ્ટેશનો દ્વારા અડાજણ વિસ્તારમાં આવેલા એકવા કોરીડોર શોપિંગ સેન્ટરની તમામ દુકાનોને સીલ મારવામાં આવ્યું છે. અગાઉ બે વાર નોટિસ આપ્યા છતાં પૂરતા પ્રમાણમાં ફાયર સાધનો ન વસાવતા સીલ મારવામાં આવ્યું છે.

અડાજણ ફાયર ઓફિસર ઈશ્વરભાઈ.એમ.પટેલે માહિતી આપી હતી કે, સુરત મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનના આદેશ મુજબ આ કામગીરી કરવામાં આવી રહી છે છેલ્લા બે દિવસથી સમગ્ર શહેરમાં જ્યાં પણ ફાયરની અપૂરતી સુવિધા નજરે પડે છે ત્યાંની વિગતો લઈને નોટિસ જાેયા બાદ જ સીલ મારવાની કામગીરી કરવામાં આવે છે. અડાજણ વિસ્તારમાં આવેલા એકવા કોરીડોર શોપિંગ સેન્ટરની વાત કરવામાં આવે તો, તેમને બે વાર નોટિસ આપવામાં આવી હતી અને ત્યાર બાદ પણ ખાલી બતાવવા પૂરતા ફાયરના સાધનો વસાવ્યા હતા તે માટે રાતે તેને સીલ કરવામાં આવ્યું છે.

શહેર ફાયર વિભાગ દ્વારા ત્રણ દિવસમાં કુલ ૧,૩૪૬ સીલ મારવામાં આવ્યા છે. જ્યાં સુધી પૂરતા પ્રમાણમાં ફાયરના સાધનો નહિં વસાવે ત્યાં સુધી સીલ ખોલવામાં આવશે નહિ.