છત્તીસગઢમાં નક્સલી હુમલામાં શહિદ જવાનોને એસજીવીપી ગુરુકુળ ખાતે શ્રદ્ધાંજલિ અપાઇ

  • 6:56 pm April 5, 2021

છત્તીસગઢના સુકમા જિલ્લાના જંગલોમાં નક્સલ હુમલામાં સુરક્ષાદળોના ૨૪ જવાન શહીદ થયા છે. ત્યારે એસજીવીપી ગુરુકુળ પરિવાર દ્વારા આ શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ગુરુકુળ દ્વારા શહીદ જવાનોની આત્માને શાંતિ તથા ઈજાગ્રસ્ત જવાનો માટે ઓનલાઈન પ્રાર્થના રૂપે ધૂન રખાઈ હતી. જેમાં કથા શ્રવણ કરતા દેશ વિદેશના હજારો હરિભક્તોએ ધૂનમાં જાેડાઈને શ્રદ્ધાંજલિ અર્પણ કરી પ્રાર્થના કરી હતી.

અમદાવાદના એસજીવીપી ગુરુકુલ અને મેમનગર ગુકુકુલ દ્વારા શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામી અને પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની પ્રેરણાથી છેલ્લા ૧૨ મહિનાથી દરરોજ રાત્રે ૮થી ૯ દરમિયાન ઓનલાઇન ભગવત કથા ચાલી રહી છે. આ કથા પ્રસંગે છતીસગઢમાં ભયાનક એન્કાઉન્ટરમાં શહીદ થયેલા ૨૪ નવયુવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. શહીદ થયેલા નવયુવાનના આત્માને ભગવાન શાંતિ આપે અને ઈજાગ્રસ્ત નવયુવાનો તેમજ તેના પરિવારજનોને સાંત્વના અને ધીરજ મળી રહે તે માટે એસજીવીપી ગુરુકુલમાં એક કલાકની ઓન લાઇન પ્રાર્થના રુપે ધૂન રાખવામાં આવી હતી.