વડોદરામાં કોરોના પોઝિટિવ દર્દીનું મોત થતા પરિવારજનોએ હોસ્પિટલમાં તોડફોડ કરી

  • 6:58 pm April 5, 2021

વડોદરા શહેરના દાંડિયા બજારમાં આવેલ સિદ્ધિ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ મહિલા દર્દીનું મોત નિપજતા પરિવારજનોએ તબીબી નિષ્કાળજીના કારણે મોત નીપજ્યું હોવાનો આક્ષેપ મૂકીને ભારે હોબાળો મચાવી તોડફોડ કરી હતી. સારવારનું બિલ ભર્યા બાદ જ મૃતદેહ આપવાનો પરિવરજનોએ હોસ્પિટલ સામે આક્ષેપ મૂક્યો હતો.

વડોદરાના પાણીગેટ જુનીગઢીમાં રહેતા હર્ષિદાબેન જીતેન્દ્રભાઇ સોલંકી(ઉં.૩૫)ને ૩૧ માર્ચના રોજ દાંડિયા બજારમાં આવેલી સિદ્ધિ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું રવિવારે મોડી સાંજે મોત નીપજ્યું હતું. પરિવારજનોને હર્ષિદાબેનનું મોત થયું હોવાના સમાચાર મળતા પરિવારજનો હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા અને હોસ્પિટલ સામે નિષ્કાળજીનો આક્ષેપો મૂકી હોબાળો મચાવ્યો હતો અને તોડફોડ કરી હતી.

દાંડિયા બજાર ખાતે આવેલ સિદ્ધિ હોસ્પિટલમાં મોડી રાતે દર્દીનું મોત નિપજતા રોષે ભરાયેલા પરિવારજનોએ કરેલી તોડફોડમાં હોસ્પિટલની ઓક્સિજનની લાઇન પણ તૂટી ગઈ હતી. આ ઉપરાંત હોસ્પિટલમાં કાચ, ફર્નિચર સહિતની ટોળાએ તોડફોડ કરી હતી. ૩૦થી ૪૦ જેટલા લોકોના ટોળા દ્વારા કરવામાં આવેલી તોડફોડના પગલે હોસ્પિટલના તબીબો સ્ટાફ તેમજ હોસ્પિટલમાં કોરોનામા સારવાર લઈ રહેલા તેમજ અન્ય બીમારીઓના દર્દીઓમાં ગભરાટ ફેલાઇ ગયો હતો.

મોડી રાત્રે બનેલા આ બનાવની જાણ રાવપુરા પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. આ સાથે એસીપી મેઘા તેવાર પણ સ્ટાફ સાથે દોડી ગયા હતા અને રોષે ભરાયેલા લોકોને સમજાવીને મામલો થાળે પાડ્યો હતો.