ભાવનગરમાં એક જ દિવસે ૨ સગીરા પર દુષ્કર્મની ઘટનાથી ખળભળાટ
- 7:07 pm April 5, 2021
જિલ્લામાં દુષ્કર્મની બે ઘટનાઓ સામે આવી છે. પોલીસે બન્ને ઘટનાણઆં ફરિયાદ નોંધી છે. તળાજા પંથક અને વલભીપુર પંથકમાં બનેલી દુષ્કર્મની ઘટનામાં સગીરાઓ ભોગ બની હતી. વલભીપુરના બનાવમાં સગીરાને ફોટા સોશિયલ મીડિયામાં વાઇરલ કરવાની ધમકી આપી દુષ્કૃત્ય આચર્યુ હતુ તો બીજી ઘટનામાં બે નરાધમોએ સગીરાના ઘરમાં પ્રવેશ કરી મોઢે ડૂચો દઈ ઘટનાને અંજામ આપ્યો હતો.
તળાજાના એક ગામની ગરીબ પરિવારની સગીર સાથે બે નરાધમોએ દુષ્કર્મ આચર્યું હતુ. બનાવની મળતી વિગત મુજબ ૪ એપ્રિલના દિવસે માતા-પિતા ખેત મજૂરી અર્થે સવારમાં ઘરેથી નીકળી ગયા હતા અને સગીરા પોતાના ઘરે એકલી હતી. આ દરમિયાન બાઇક પર આવેલા બે શખ્સોએ ઘરમાં જઈને સગીરાને ચા બનાવવાનું કહ્યું હતુ. બાદમાં એક શખ્સ પાછળથી આવીને તેને બાથમાં લઈને મોઢે ડૂચો આપી એક પછી એક એમ બન્ને શખ્સોએ દુષ્કર્મ આચર્યું હતુ અને કોઈને કહ્યું તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવની ફરિયાદ મોડી રાત્રે તળાજા પોલીસ સ્ટેશનમાં નોંધાઇ હતી.
વલભીપુર પંથકમાં પણ એક સગીર યુવતીએ ફરિયાદ નોંધાવી છે. મળેલી માહિતી મુજબ આ ફરિયાદમાં એક યુવક સાથે બોલાચાલીના સબંધ સ્થપાયા બાદ સાથે ફોટા પાડવામાં આવ્યા હતા એ ફોટાના આધારે યુવકે સગીરાને બ્લેકમેઇલ કરી કે તેનું નહીં માને તો આ ફોટા સોશિયલ મીડિયામાં વાઇરલ કરી દેશે. આથી યુવક સાથેના ફોટા હોવાથી સગીર યુવતીને બ્લેકમેઇલ કરી યુવકે અન્ય સ્થળો પર લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું, જેની ફરિયાદના આધારે વલભીપુર પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.