મધ્યપ્રદેશમાં કેચ આઉટ થતા બેટ્‌સમેને ફિલ્ડરને માથામાં બેટ મારતા બેભાન

  • 7:14 pm April 5, 2021

ક્રિકેટના મેદાન પર ખેલાડીઓ વચ્ચેની લડાઇ સામાન્ય વાત છે. ખેલાડીઓ વચ્ચે સ્લેજિંગથી લઈને મૌખિક જંગ સુધીની વાત ક્રિકેટના મેદાન પર જાેવા મળે છે. જાે તમે સદી, અડધી સદી અથવા કોઈ ખાસ રેકોર્ડ ચુકી જાય છે ત્યારે બેટ્‌સમેનની અંદરનો ગુસ્સો બહાર આવે છે. આવી સ્થિતિમાં, ખેલાડીઓ પોતાનું બેટ જમીન પર ફેંકી દે છે અથવા તેઓ મોટેથી કઈક બોલવા લાગે છે, પરંતુ મધ્યપ્રદેશમાં એક બેટ્‌સમેને ફિલ્ડરને એટલો માર્યો કે તેને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો છે. એટલું જ નહીં, એટલુ જ નહી આ ઈજાગ્રસ્ત ફીલ્ડરની હાલત એટલી ગંભીર છે કે તે હજી સુધી ભાનમાં આવી શક્યો નથી.

આ મામલો મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં ક્રિકેટ મેચ દરમિયાનનો છે. આ મેચમાં અર્ધસદીની નજીક પહોંચેલો બેટ્‌સમેન ૪૯ રને કેચ આઉટ થતા તેમણે મેદાન પરના ફીલ્ડરને બેટ વડે ફટકારતા તે ગંભીર રીતે ઘાયલ થયો છે. મ્યુનિસિપલ પોલીસ અધિક્ષક રામનરેશ પચૌરીએ રવિવારે જણાવ્યું હતું કે, આ ઘટના શનિવારે ગોલાના મંદિર પોલીસ સ્ટેશન વિસ્તારમાં મેલા ગ્રાઉન્ડમાં ક્રિકેટ મેચ દરમિયાન બની હતી.

શહેર પોલીસ અધિક્ષક રામનરેશ પચૌરીએ જણાવ્યું, સચિન પરાશર (૨૩) નામના ફીલ્ડરને ગંભીર હાલતમાં સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો અને બેટ્‌સમેન સંજય પાલિયા પર હત્યાનો પ્રયાસ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.

પચૌરીએ કહ્યું, પરાશરે જ્યારે ૪૯ રન પર તેનો કેચ પકડ્યો ત્યારે પાલિયા ગુસ્સે થયો હતો, જે ૫૦ રનથી માત્ર એક રન જ દૂર હતો. પાલિયા પરાશર તરફ દોડી ગયો હતો અને તેને માથા પર બેટ વડે મારવા લાગ્યો હતો. અન્ય ખેલાડીઓએ પાલિયાને રોકવાનો પ્રયાસ કર્યો. પરાશરને હજી હોસ્પિટલમાં હોશ આવ્યો નથી. પોલીસ અધિક્ષકે જણાવ્યું, ૨૩ વર્ષીય આરોપી ઘટના બાદ ફરાર થઈ ગયો છે અને પોલીસ તેની શોધમાં છે. પાલિયા વિરુદ્ધ હત્યાના પ્રયાસનો કેસ નોંધવામાં આવ્યો છે.