ફખર ઝમાનની ઈતિહાસીક ઈનિંગ છતા પાકની દ.આફ્રિકા સામે કરારી હાર
- 7:16 pm April 5, 2021
પાકિસ્તાનના ફખર ઝમાનએ ફરી એકવાર સાબિત કરી દીધું કે તે વિશ્વનો સૌથી ખતરનાક ઓપનર છે. તેણે દક્ષિણ આફ્રિકા સામે ૧૯૩ રનની અણનમ ઇનિંગ રમી હતી. આ સાથે તેણે રેકોર્ડ બુકમાં પોતાનું નામ નોંધાવ્યું. વન-ડે ક્રિકેટમાં બીજી ઇનિંગમાં સૌથી મોટી ઇનિંગ્સ રમનાર બેટ્સમેન બની ગયો ફકર ઝમાન. તેણે તેની ઇનિંગ્સમાં ૧૫૫ બોલમાં ૧૮ ચોગ્ગા અને ૧૦ છગ્ગા ફટકાર્યા હતા.
રવિવારે જાેહાનિસબર્ગમાં પાકિસ્તાન અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બીજી વનડે મેચ રમાઈ હતી. યજમાન દક્ષિણ આફ્રિકાએ પ્રથમ બેટિંગ કરતા ૬ વિકેટે ૩૪૧ રન બનાવ્યા હતા. ૩૪૧નો પીછો કરવા ઉતરેલી પાકિસ્તાની ટીમના ઓપનર ફકર ઝમાનએ ૧૯૩ રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી. જાે કે, તે તેની ટીમને જીત અપાવી શક્યો નહીં. પાકિસ્તાની ટીમ નિર્ધારિત ૫૦ ઓવરમાં ૯ વિકેટે ૩૨૪ રન જ બનાવી શકી હતી. આ રીતે તેને ૧૭ રને હારનો સામનો કરવો પડ્યો હતો.
ફકર ઝમાનએ વનડેમાં બીજા દાવમાં સૌથી વધુ ૧૯૩ રન બનાવીને સૌથી મોટા સ્કોરનો રેકોર્ડ તોડી નાખ્યો છે. આ રેકોર્ડ શેન વોટસનના નામે હતો. બાંગ્લાદેશ સામે લક્ષ્યનો પીછો કરતાં વોટસને ૨૦૧૧ માં ૧૮૫ રન બનાવ્યા હતા.
ફકર ઝમાન વર્ષ ૨૦૧૭ પછી ૧૯૦ કરતા વધારે બે સ્કોર બનાવનાર પ્રથમ બેટ્સમેન બન્યો હતો. આ અગાઉ તેણે ૨૦૧૮માં ઝિમ્બાબ્વે સામે ૨૧૦ રન બનાવ્યા હતા. ફકર ઝમાન દક્ષિણ આફ્રિકાની ધરતી પર સૌથી મોટી વનડે ઇનિંગ્સ રમનાર ક્રિકેટર પણ બની ગયો છે. અગાઉ આ રેકોર્ડ ફાફ ડુ પ્લેસીના નામે હતો. તેણે ૨૦૧૭માં શ્રીલંકા સામે ૧૮૫ રનની ઇનિંગ્સ રમી હતી.
૧૯૩ રનની ઇનિંગ બાદ રેકોર્ડ બુકમાં ફકરનું નામ ભલે નોંધાયું હોય, પરંતુ તે તેનાથી ખુશ જાેવા ન મળ્યો. તેણે મેચ બાદ કહ્યું કે, જાે પાકિસ્તાન આ ઇનિંગ્સથી જીત મેળવી લેત તો તેઓ વધારે ખુશ થયા હોત. અલબત્ત, ફકરની આ શાનદાર ઇનિંગ્સ બાદ પણ પાકિસ્તાની ટીમ અને તેના ચાહકો નિરાશ થયા.