ડી કોકે ફકર ઝમાનનું ધ્યાન વિચલિત કરી રનઆઉટ કરતાં વિવાદ

  • 7:19 pm April 5, 2021

પાકિસ્તાન અને સાઉથ આફ્રિકા વચ્ચેની બીજી વનડે દરમિયાન 'ફેક ફિલ્ડિંગ'નો વિવાદ સામે આવ્યો છે. સાઉથ આફ્રિકાના વિકેટકીપર કવિન્ટન ડી કોકે પાકિસ્તાની બેટ્‌સમેન ફકર ઝમાનને આઉટ કરવા તેનું ધ્યાન વિચલિત કર્યું હતું, તેની ક્રિકેટ પંડિત અને ફેન્સ સો.મીડિયા પર ભારે ટીકા કરી રહ્યા છે.

રનચેઝની અંતિમ ઓવરમાં પાકિસ્તાનને જીત માટે એક ઓવરમાં ૩૧ રનની જરૂર હતી. ત્યારે લૂંગી ગિડીએ નાખેલા ૫૦મી ઓવરના પ્રથમ બોલને ફકર ઝમાને લોન્ગ-ઓન પર માર્યો. તે બીજાે રન લેવા માટે દોડ્યો. સાઉથ આફ્રિકાના વિકેટકીપર કવિન્ટન ડી કોકે રનઆઉટ માટેની તક ઊભી કરવા નોન-સ્ટ્રાઈકર એન્ડ પર ઈશારો કર્યો, જેનાથી ઝમાનને લાગ્યું કે થ્રો તેની તરફ નથી આવી રહ્યો. તેણે પાછળ ફરીને જાેયું પણ ખરી. જાેકે, થ્રો તેની તરફ (સ્ટ્રાઈકર એન્ડ) પર જ આવી રહ્યો હતો. તે રનઆઉટ થઈ ગયો.

ડી કોકે ઝમાનને આઉટ કરવા જે ટ્રીક કરી તેની સામે મેચમાં અમ્પાયર્સે વાંધો ઉઠાવ્યો નહોતો. જાેકે, તેવો વાંધો ઉઠાવત અને ફેક ફિલ્ડિંગ તરીકે આને કાઉન્ટ કરત તો શું થાત? તો પાકિસ્તાનને પેનલ્ટી એવોર્ડના ૫ રન સહિત કુલ ૭ રન મળત. બોલ કાઉન્ટ ન થયો હોત, એટલે કે ૧ ઓવરમાં ૩૧ની જગ્યાએ ૧ ઓવરમાં ૨૪ રન કરવાના હોત.

મેચમાં સાઉથ આફ્રિકાની ટીમે પાકિસ્તાનને ૧૭ રને માત આપી. પ્રથમ બેટિંગ કરતાં પ્રોટિયાસે ૫૦ ઓવરમાં ૬ વિકેટે ૩૪૧ રન બનાવ્યા. જવાબમાં પાકિસ્તાન ૫૦ ઓવરમાં ૯ વિકેટે ૩૨૪ રન જ કરી શક્યું. પાકિસ્તાને એકસમયે ૧૨૦ રનમાં ૫ વિકેટ ગુમાવી દીધી હતી. જાેકે ફકર ઝમાને શાનદાર ઇનિંગ્સ રમતાં ૧૫૫ બોલમાં ૧૮ ફોર અને ૧૦ સિક્સની મદદથી ૧૯૩ રન બનાવ્યા. ઝમાન ટીમને ફિનિશિંગ લાઈન ક્રોસ ન કરાવી શક્યો એ અલગ વાત છે.