શબ્બીર હુસૈન ખંડવાવાલા BCCIના એન્ટી કરપ્શન યુનિટના ચીફ તરીકે નિમણુંક

  • 7:21 pm April 5, 2021

ગુજરાત રાજ્યના પૂર્વ ડીજીપી રહી ચુકેલા શબ્બીર હુસૈન ખંડવાવાલાને બીસીસીઆઇના એન્ટી કરપ્શન યુનિટ (એસીયુ)ના નવા ચીફ બનાવવામાં આવ્યા છે. શબ્બીર હુસૈન એટલે કે એસએસ ખંડવાલા ગુજરાત પોલીસના વડા રહી ચુક્યા છે. તેઓ અજીત સિંહનું સ્થાન લેશે, તેઓનો કાર્યકાળ ૩૧ માર્ચે ખતમ થઈ ચુક્યો છે. જાેકે તેઓ નવા ચીફની મદદ માટે કેટલાક દિવસ સુધી પોતાનું કાર્ય જારી રાખશે. એસએસ ખંડવાવાલાએ આ પદ પર પસંદગી થવાને લઈને ખુશી વ્યક્ત કરી હતી, સાથે જ પોતાના માટે આ ગર્વની વાત હોવાનું ગણાવ્યુ હતુ.

૧૯૭૩ના આઈપીએસ અધિકારી એસએસ ખંડવાવાલા આઇપીએલની આગામી સિઝનની શરુઆત પહેલા જ આ પદ માટે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ ગુજરાત રાજ્યના પોલીસ વડા રહી ચુક્યા છે. જે પહેલા તેઓ અમદાવાદ પોલીસ કમિશ્નર પણ રહી ચુક્યા છે. તેઓ વર્ષ ૨૦૧૦માં ગુજરાતના ડીજીપી પદ પરથી નિવૃત્ત થયા હતા.

ખંડવાવાલાએ કહ્યું, આ એક ગૌરવની વાત છે કે હું બીસીસીઆઈનો હિસ્સો બની રહ્યો છુ. જે વિશ્વનું સૌથી સારુ ક્રિકેટ સંગઠન છે. સુરક્ષા મામલાના મારા અનુભવનો ફાયદો મને આ નવા કામમાં મળશે. નવી જવાબદારી અગાઉ ખંડવાવાલા એસ્સાર ગૃપના સલાહકાર હતા. તેઓ કેન્દ્ર સરકારની લોકપાલ સર્ચ સમિતિના પણ સદસ્ય રહી ચુક્યા છે. તેઓ બુધવારે ચેન્નાઈ પહોંચશે.