ડ્રગ્સ કેસમાં પકડાયેલ એજાઝ ખાન થયો કોરોના સંક્રમિત, હોસ્પિટલમાં દાખલ
- 7:29 pm April 5, 2021
ગત અઠવાડિયે એક્ટર એજાઝ ખાનની નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (એનસીબી)એ મુંબઈ એરપોર્ટ પરથી અટકાયત કરી હતી. ૮ કલાકની પૂછપરછ બાદ તેની ધરપકડ કરાઈ હતી. હવે જાણકારી પ્રાપ્ત થઈ છે કે એજાઝ ખાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. એજાઝ ખાનની ડ્રગ્સ સિંડિકેટ સાથે જાેડાયેલો હોવાના આરોપસર ધરપકડ થઈ હતી. ત્યારે હવે એજાઝ ખાનને જેલમાં મોકલવાના બદલે હોસ્પિટલમાં દાખલ કરાયો છે.
નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ ડ્રગ્સ કેસમાં ધરપકડ કરેલા એક્ટર એજાઝ ખાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેને હોસ્પિટલમાં મોકલાયો છે. આ કેસની તપાસ કરી રહેલા અધિકારીઓનો પણ કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે." એજાઝ ખાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેની પૂછપરછ કરનારા એનસીબીના તમામ અધિકારીઓનો પણ ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે.
એનસીબીના અધિકારીઓનો દાવો છે કે, એજાઝ ખાન મુંબઈના ડ્રગ સપ્લાયર શાદાબ બટાટા સાથે સંપર્ક ધરાવે છે. થોડા દિવસ પહેલા જ શાદાબ બટાટાની ૨ કરોડના ડ્રગ્સ સાથે એનસીબીએ ધરપકડ કરી હતી. શાદાબ બટાટા મુંબઈના સૌથી મોટા ડ્રગ સપ્લાયર ફારુક બટાટાનો દીકરો છે.
એનસીબીના દાવા બાદ એજાઝ ખાને કહ્યું હતું, "મારા ઘરેથી માત્ર ચાર ઊંઘની ગોળી મળી છે. મારી પત્નીને મિસકેરેજ થયું છે અને તે આ ગોળીઓનો ઉપયોગ એન્ટીડિપ્રેસન્ટ તરીકે કરે છે." ૩ એપ્રિલે એજાઝને કોર્ટમાં લઈ જવાઈ રહ્યો હતો ત્યારે પણ તેણે આ જ વાતનું રટણ ચાલુ રાખ્યું હતું.