તસ્કરો પાનની દુકાનમાં ત્રાટક્યાઃ ૧.૨૦ લાખનો સામાન લઇ રફ્ફૂ

  • 7:51 pm April 5, 2021

સુરેન્દ્રનગર શહેરમાં અંડરબ્રીજ પાસે આવેલી ગુલશન પાનની જાણીતી દુકાનમાં ચોરી થવાનો બનાવ બન્યો હતો. દુકાનમાં રાખેલા રૂ.૧ હજાર રોકડા તથા સામાન સહિત અંદાજે રૂ.૧.૨૦ લાખના સામાનની ચોરી થઇ હતી. આ બનાવ અંગે પોલીસે ફરિયાદ લેવાની સાથે ચોરને પકડવાની કાર્યવાહી હાથ ધરી છે.

સુરેન્દ્રનગરમાં આબેડકર ચોકથી અંડરબ્રીજ ક્રોસ કરતા ગુલશન પાનની દુકાન આવેલી છે. આ દુકાનની ઉપર પતરાની છત તોડીને ચોરે અંદર પ્રવેશ કર્યો હતો. દુકાનમાં રાખેલા રૂ.૧ હજાર રોકડા તથા સીગારેટ, પાન માવાનો સામાન સહિત અંદાજે રૂ.૧.૨૦ લાખના સામાનની ચોરી થઇ હતી. દુકાનમાં એકાદ સપ્તાહ પહેલા જ તમામ સામાનની ખરીદી કરીને વસ્તુ ભરવામાં આવી હતી. તસ્કરોએ દુકાનમાં રાખેલા સીસી ટીવીમાં પણ તોડફોડ કરી હતી.

શહેરના મધ્યમાં આવેલી દુકાનમાં ચોરી થતા વેપારીઓમાં ફફડાય ફેલાયો છે. આ બાબતે દુકાન માલિકે પોલીસને જાણ કરતા ફરિયાદ લેવાની કાર્યવાહી હાથ ધરી છે. સાથે સાથે પોલીસે આવી ચોરી કરવા માટે ટેવાયેલા આરોપીઓની ખાનગી રાહે તપાસ પણ હાથ ધરી છે.