રાજકોટમાં ૧૧ કેવી વીજ લાઇનને અડી જતાં પ્રૌઢનું ઘટનાસ્થળે જ મોત

  • 7:53 pm April 5, 2021

રાજકોટમાં એક અજીબ કિસ્સો સામે આવ્યો છે. જેમાં બકરાના ચારા માટે ડાળખી કાપવા માટે પ્રૌઢ ઝાડ પર ચડ્યા હતા. જ્યાં ૧૧ કેવી વીજ લાઈનને અડી જતા તેમનું ઘટના સ્થળે જ મોત થયું હતું. આ અંગે ગાંધીગ્રામ પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર રૈયાધાર ઇન્દિરાનગરમાં રહેતાં દેવીપૂજક પરિવારના રમેશભાઇ સવજીભાઇ વાઘેલા પોતાના બકરાના ચારા માટે જામનગર રોડ સાંઢીયા પુલ પાસે રેલ્વે કોલોની નજીક આવેલા ઝાડવા પર ચડી ધારીયાથી ડાળખી કાપી રહ્યા હતાં ત્યારે ધારીયું ઉપરથી પસાર થતી ૧૧ કેવી વિજલાઇનને અડી જતાં કરંટ લાગતાં કમકમાટી ભર્યુ મોત નિપજ્યું હતું. તેમનો મૃતદેહ ઝાડમાં લટકતી હાલતમાં રહી જતાં ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચી દોરડા બાંધીને મૃતદેહને નીચે ઉતાર્યો હતો.

એક પુરૂષ ઝાડ વચ્ચે લટકતાં હોવાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ પહોચી હતી અને તપાસ કરતાં વિજકરંટની ઘટના હોવાનું સામે આવ્યું હતું. મૃત્યુ પામનાર રમેશભાઇ રિક્ષાના ફેરા કરી ગુજરાન ચલાવતાં હતાં.