દેશની પ્રથમ મહિલા ક્રિકેટ કમેન્ટેટર ચંદ્રા નાયડુનું નિધન

  • 7:55 pm April 5, 2021

દેશની પ્રથમ મહિલા ક્રિકેટ કમેન્ટેટર ચંદ્રા નાયડુનું નિધન થયું હતું. તેમણે રવિવારે ૮૮ વર્ષની વયે ઇન્દોરમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ અપરિણીત હતા તેમજ લાંબા સમયથી બીમાર હતા. ભારતીય ક્રિકેટ ટીમના પહેલા કેપ્ટન કર્નલ સી.કે. નાયડુની પુત્રી હોવા ઉપરાંત તેમની પોતાની અલગ ઓળખ હતી. કમેન્ટેટર તરીકે તેમની એક અલગ ઓળખ હતી. ફક્ત મહિલાઓ જ નહીં પરંતુ પુરુષ ક્રિકેટરો પણ તેમને ઓળખતા હતા.

ચંદ્રા નાયડુ અંગ્રેજીની પ્રોફેસર હતા. આ ઉપરાંત તેમનું હિન્દી ભાષા પર પણ પ્રભુત્વ હતું. હિન્દી કમેન્ટેટરના રૂપમાં પ્રખ્યાત થયેલા પદ્મશ્રી સુશીલ દોશીને તેઓએ કમેન્ટેટર તરીકે પ્રોત્સાહિત કર્યા હતા. સુશીલ દોશીએ કહ્યું કે, તેમણે મારી સાથે નહેરુ સ્ટેડિયમ ખાતે પહેલી કોમેન્ટ્રી કરી હતી. દોશી કહ્યું કે, જ્યારે હું પહેલીવાર ૧૯૭૭-૭૮માં કોમેન્ટ્રી માટે ઓસ્ટ્રેલિયા ગયો ત્યારે તેઓએ મને પત્ર લખીને પ્રોત્સાહન આપ્યું હતું. કર્નલ સી.કે. નાયડુ કહેતા કે, ચંદ્રા મારી પુત્રી નહીં પણ પુત્ર છે. તેમાં પણ આત્મ-સન્માન અને સંઘર્ષ કરવાની ક્ષમતાની છે.

ચંદ્રા નાયડુ ૧૯૮૨માં લોડ્‌ર્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી ગોલ્ડન જ્યુબિલી ટેસ્ટ મેચની સાક્ષી બની હતી. ત્યાં તેમણે લોડ્‌ર્સ કમિટી રૂમમાં એક કાર્યક્રમને પણ સંબોધિત કર્યું હતું. તેમણે તેમના પિતાના જીવન પર 'સી.કે. નાયડુઃ એ ડોટર રિમેમ્બર્સ' નામનું પુસ્તક લખ્યું હતું.