વ્લાદિમીર પુતિને ૨૦૩૬ સુધી પ્રમુખપદે રહેવાનો માર્ગ કર્યો મોકળો
- 6:20 pm April 6, 2021
રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને વધુ બે ટર્મ સત્તામાં રહેવા માટેના કાયદામાં હસ્તાક્ષર કરીને છેક ૨૦૩૬ સુધી પ્રમુખપદે ચિપકી રહેવાનો માર્ગ મોકળો કર્યો છે.
પુતિનના ઈશારે રશિયન સંસદે પુતિનને વધુ બે ટર્મ સુધી ચૂંટણી લડવાનો અધિકાર આપતું બિલ પસાર કર્યું હતું. એ બિલ પુતિન પાસે હસ્તાક્ષર કરવા પહોંચ્યું હતું. પુતિને ‘પુતિન’ને ૨૦૩૬ સુધી પ્રમુખપદે રહેવા માટેના કાયદામાં હસ્તાક્ષર કરી દીધા હતા.
એ સાથે જ હસ્તાક્ષર થયેલાં દસ્તાવેજાે સત્તાવાર વેબસાઈટમાં મૂકી દેવામાં આવી હતી. પુતિનની ટર્મ ૨૦૨૪માં પૂરી થશે. એ પછી તે ૨૦૨૪માં ચૂંટણી લડી શકશે અને છ વર્ષે ૨૦૩૦માં ચૂંટણી થશે ત્યારે પણ ચૂંટણી લડીને ૨૦૩૬ સુધી સત્તામાં રહી શકશે.
વ્લાદિમીર પુતિન ૧૯૯૯થી રશિયન સત્તાના કેન્દ્રમાં છે. ૧૯૯૯માં પ્રથમ વખત પુતિન કાર્યકારી પ્રમુખ બન્યા હતા. એ પછી ૨૦૦૦ના વર્ષથી સંપૂર્ણ ટર્મ માટે ચૂંટાઈ આવ્યા હતા અને ૨૦૦૮ સુધી પ્રમુખપદે રહ્યા હતા. ૨૦૦૮થી ૨૦૧૨ સુધી પ્રમુખ રહી શકે તેમ ન હોવાથી વડાપ્રધાન રહીને સત્તાનું સુકાન પોતાના હાથમાં રાખ્યું હતું.
૨૦૧૨માં ફરીથી રશિયાની પ્રમુખપદની ચૂંટણીમાં ચૂંટાયા હતા. છ વર્ષની ટર્મ ૨૦૧૮માં પૂરી થઈ હતી. એ વર્ષે ચૂંટણી થઈ હતી, જેમાં પુતિન ૨૦૨૪ સુધી પ્રમુખપદે ચૂંટાઈ આવ્યાં હતા.