જસ્ટિસ એનવી રમણા બનશે ૪૮મા ચીફ જસ્ટિસ, ૨૪ એપ્રિલે ગ્રહણ કરશે શપથ
- 6:22 pm April 6, 2021
જસ્ટિસ એનવી રમણા ભારતના આગામી મુખ્ય ન્યાયાધીશ બનશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મંગળવારે સવારે તેમના નામને મંજૂરી આપી હતી. રાષ્ટ્રપતિની મંજૂરીનો લેટર સુપ્રીમ કોર્ટ પહોંચાડી દેવામાં આવ્યો છે. વર્તમાન ચીફ જસ્ટિસ એસએ બોબડે ૨૩ એપ્રિલના રોજ રિટાયર થઈ રહ્યા છે અને ૨૪ એપ્રિલના રોજ જસ્ટિસ એનવી રમણા દેશના ૪૮મા ચીફ જસ્ટિસ તરીકે શપથ ગ્રહણ કરશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ રાષ્ટ્રપતિ ભવનમાં જસ્ટિસ રમણાને મુખ્ય ન્યાયાધીશ પદના શપથ ગ્રહણ કરાવશે.
સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ રમણાનો કાર્યકાળ ૨૬ ઓગષ્ટ, ૨૦૨૨ સુધીનો છે. મતલબ કે તેઓ બે વર્ષ કરતા પણ ઓછા સમય માટે સીજેઆઈનું પદ સંભાળશે. સુપ્રીમ કોર્ટમાં વરિષ્ઠતા મામલે તેઓ હાલ બીજા સ્થાને છે. જસ્ટિસ એનવી રમણા સુપ્રીમ કોર્ટમાં સીજેઆઈ બાદ સૌથી સીનિયર જજ છે. તેઓ આંધ્ર પ્રદેશ હાઈકોર્ટના પહેલા એવા જજ હશે જે સીજેઆઈ બનશે. આગામી ૨૪ એપ્રિલના રોજ શપથ ગ્રહણ કરીને જસ્ટિસ રમણા ૨૬ ઓગષ્ટ, ૨૦૨૨ સુધી દેશના મુખ્ય ન્યાયાધીશ તરીકે સેવા આપશે.
૨૭ ઓગષ્ટ, ૧૯૫૭ના રોજ આંધ્ર પ્રદેશના કૃષ્ણા જિલ્લામાં આવેલા પુન્નાવરમ ગામના ખેડૂત પરિવારમાં જન્મેલા નાતુલાપતિ વેંકટ રમણાએ વિજ્ઞાન અને કાયદામાં સ્નાતકની ડિગ્રી મેળવી હતી. ત્યાર બાદ તેમણે આંધ્ર પ્રદેશ હાઈકોર્ટ, કેન્દ્રીય પ્રશાસનિક ટ્રિબ્યુનલ અને સુપ્રીમ કોર્ટમાં પ્રેક્ટિસ શરૂ કરી હતી.
રમણાએ ૧૦ ફેબ્રુઆરી, ૧૯૮૩ના રોજ વકીલ તરીકે ન્યાયિક કારકિર્દીની શરૂઆત કરી હતી. ૨૭ જૂન, ૨૦૦૦ના રોજ તેઓ આંધ્ર પ્રદેશ હાઈકોર્ટના સ્થાયી ન્યાયાધીશ તરીકે નિયુક્ત થયા હતા. ૧૦ માર્ચ, ૨૦૧૩થી લઈને ૨૦ મે, ૨૦૧૩ સુધી તેમણે આંધ્ર પ્રદેશ હાઈકોર્ટના કાર્યવાહક મુખ્ય ન્યાયાધીશ તરીકે કામ કર્યું હતું. ૨ સપ્ટેમ્બર, ૨૦૧૩ના રોજ તેમને દિલ્હી હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે બઢતી આપવામાં આવી હતી.