થલતેજથી ગાંધીનગર જવા સોલા ઓવરબ્રિજ ઉપરથી ૨.૫ મહિનાનું ડાઇવર્ઝન

  • 6:55 pm April 6, 2021

થલેતજથી ગાંધીનગર જતા ટ્રાફિકને સોલા રેલ્વે ઓવરબ્રિજથી ડાયવર્ટ કરવાની તૈયારીઓ શરૂ થઈ છે. ગાંધીનગર જતા ટ્રાફિકને સોલા ઓવરબ્રિજ ઉપર આવેલા સાયન્સ સિટી તરફના રેમ્પ(પુલ)થી ડાબી સાઇડ નીચે ઉતારી, શુકન મોલ ક્રોસ રોડથી જમણી સાઇડ ટર્ન આપી કારગીલ ચાર રસ્તાથી ગુજરાત હાઈકોર્ટ પાસેથી એસજી હાઈવે ઉપર લઈ જવાશે.

૨થી અઢી મહિના માટે આવનારા આ ડાયવર્ઝનની પૂર્વ તૈયારીઓ માટે સોમવારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સ્થળ પર જઈને સમીક્ષા કરી હતી. તેમણે માર્ગ મકાન વિભાગના ઈજનેરો અને પોલીસ અધિકારીઓ સાથે સવા કલાક સુધી આ અંગે ચર્ચા કરી હતી. આ ડાયવર્ઝન એક અઠવાડિયામાં અમલમાં આવી શકે છે. આ અંગે અગાઉથી જ અમદાવાદ પોલીસ જાહેરનામું પ્રસિધ્ધ કરી દેશે. આ ડાયવર્ઝનને કારણે ૪૦૦ મીટરનું અંતર એકથી સવા કિલોમીટર જેવુ વધશે.

ફોરલેઈન સોલા રેલ્વે ઓવરબ્રિજ આઠ માર્ગીય થઈ રહ્યો છે. જે બંન્ને તરફે સિક્સલેઈન એલિવેટેડ હાઈવેથી જાેડાયેલો રહેશે. ૨ રેલવે ઓવરબ્રીજ પણ ૭-૮ લેન પહોળા કરાશે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે, સોલા રેલ્વે ઓવર બ્રિજ નીચે ભૂયંગદેવ તરફથી સાયન્સ સિટી વચ્ચે આવાગમન માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની માલિકીનો ટુ લેઈન અંડરપાસ છે.