હિન્દુઓને એક થવાનું કીધું હોત તો, ચૂંટણી પંચની ૮-૧૦ નોટિસ મળી જાત
- 8:01 pm April 6, 2021
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કૂચબિહાર ખાતે ચૂંટણી સભાને સંબોધિત કરી હતી. વડાપ્રધાને ભૂતકાળની એક ઘટના વાગોળતા કહ્યું કે, બે વર્ષ પહેલા ટીએમસીએ અહીં રેલીમાં અડિંગો જમાવ્યો હતો પરંતુ હવે ટીએમસી ક્યાંય દેખાઈ નથી રહી.
વડાપ્રધાને કહ્યું કે, મમતા બેનર્જીએ ખુલ્લેઆમ મુસ્લિમોના મત માંગવા પડે છે, આ બતાવી આપે છે કે મુસ્લિમ મત બેંક તમારા હાથમાંથી છટકી રહી છે. જાે અમે કહ્યું હોત કે તમામ હિંદુઓ એક થઈ જાઓ અને બીજેપીને મત આપો, તો અમને ચૂંટણી પંચની નોટિસ મળી જાત. વડાપ્રધાને મમતા બેનર્જીએ તમામ મુસ્લિમોને એક થઈ જવા કહ્યું હોવાનો આરોપ લગાવ્યો હતો.
રેલીમાં વડાપ્રધાને કહ્યું કે, 'હવે દીદી ઈવીએમને પણ ગાળો આપી રહ્યા છે, પરંતુ તમે એ જ ઈવીએમ વડે જીત્યા હતા ત્યારે કશું નહોતું થયું. તેનાથી સ્પષ્ટ છે કે તમે ચૂંટણી હારી ચુક્યા છો. મમતા બેનર્જી કહે છે કે, લોકો પૈસા લઈને બીજેપીની રેલીમાં આવી રહ્યા છે, દીદી બંગાળના લોકોનું અપમાન કરી રહ્યા છે.' આ સાથે જ વડાપ્રધાને દીદીને તિલક લગાવનારાઓ અને ભગવા પહેરનારાઓથી તકલીફ હોવાનો આરોપ લગાવ્યો હતો.
વડાપ્રધાને કહ્યું કે, બીજી મેના રોજ જ્યારે બંગાળમાં ભાજપની સરકાર બની જશે ત્યારે વિકાસના અભિયાનને તેજ કરવામાં આવશે. બંગાળમાંથી દીદીની વિદાય નક્કી થઈ ગઈ છે. પહેલા બે તબક્કા અને આજના તબક્કામાં ભાજપની લહેર ચાલી રહી છે.
વડાપ્રધાને કહ્યું કે, 'દીદી હાલ એક સવાલ પુછી રહ્યા છે કે, શું ભાજપ ભગવાન છે કે તેને વિજયની ખબર પડી ગઈ છે. દીદી અમે તો સામાન્ય લોકો છીએ. જનતા જ ભગવાનનું સ્વરૂપ છે, તેમનાથી જ ખબર પડે છે કે હવાની દિશા શું છે. દીદી તમારો ગુસ્સો, વ્યવહાર અને વાણી જાેઈને બાળક પણ ટીએમસી ચૂંટણી હારી ગયું છે તેમ કહી શકે.'
વડાપ્રધાને કહ્યું કે, જ્યારે મમતા દીદીએ પોલિંગ બૂથમાં ખેલા કર્યું ત્યારે જ દેશે તે હારી ગયા હોવાનું માની લીધું હતું. હવે મમતા દીદી વારાણસીથી ચૂંટણી લડવાની વાત કરે છે, મતલબ કે ટીએમસી અહીંથી સાફ થઈ ગઈ છે. મમતા બેનર્જીએ પોતાનું રાજકારણ કરવા બંગાળથી બહાર જવું પડશે.