ઉતાર-ચઢાવના અંતે સેન્સેક્સ ૪૨ અંકની વૃદ્ધિ સાથે ૪૯,૨૦૧ અંક ઉપર બંધ થયો

  • 8:02 pm April 6, 2021

દેશમાં કોરોનાના કેસોમાં સતત વધારો થવાને કારણે ગભરાટના માહોલ વચ્ચે શેરબજારમાં ઉતાર – ચઢાવ જાેવા મળ્યા હતા. આજના કારોબારના અંતે સેન્સેક્સ ૪૨ પોઇન્ટના વધારા સાથે ૪૯,૨૦૧ પર બંધ રહ્યો છે. નિફ્ટી પણ ૪૫ પોઇન્ટના વધારા સાથે ૧૪,૬૮૩ ની સપાટીએ બંધ રહ્યો છે. આ પહેલા સોમવારે બજારમાં ઘટાડો દર્જ થયો હતો.

લોકડાઉનના વહેતા થયેલ અહેવાલોના કારણે આર્થિક રિકવરીની ગતિ ધીમી થવા લાગી છે તેની અસર માર્કેટમાં પણ પડી રહી છે. આજે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, એસબીઆઇ, એચસીએલ ટેક, એચડીએફસી બેન્ક જેવા મોટા શેર ઘટાડા સાથે બંધ થયા છે. બીજી તરફ બિઝનેસ ગ્રોથને કારણે અદાણી પોર્ટના શેરમાં ૧૪% થી વધુનો ઉછાળો આવ્યો છે.

આજે રોકાણકારોએ મેટલ અને ફાર્મા ક્ષેત્રના શેરોમાં સૌથી વધુ ખરીદી કરી હતી. એનએસઈ પર બંને ઇન્ડેક્સ ૧% ના વધારા સાથે બંધ થયા છે. નિફ્ટીમાં જેએસડબલ્યુ સ્ટીલના શેરમાં ૮.૮% નો ઉછાળો નોંધાયો હતો. સેન્સેક્સમાં સમાવિષ્ટ ૩૦ માંથી ૧૭ શેરોમાં પણ તેજી જાેવા મળી હતી. એશિયન પેઇન્ટ્‌સના શેર ૪% સુધી વધારા સાથે બંધ થયા છે.

મ્જીઈ પર ૩,૦૭૧ શેરોમાં કારોબાર થયો હતો જે પૈકી ૧,૬૭૨ શેર વધારા સાથે બંધ થયા અને ૧,૨૧૨ શેરમાં નુકશાન દર્જ થયું છે. લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપ ગઈ કાલે રૂ. ૨૦૫.૦૯ લાખ કરોડ હતી જે વધીને રૂ. ૨૦૬.૪૪ લાખ કરોડ થઈ ગઈ છે. આજે સવારે સેન્સેક્સ ૨૮૧ પોઇન્ટના ઉછાળા સાથે ૪૯,૪૪૧.૧૩ અને નિફ્ટી ૯૯ પોઇન્ટના ઉછાળા સાથે ૧૪,૭૩૭.૦૦ પર ખુલ્યા હતા.