ગોંડલમાં પૂરઝડપે કારે લારી,બાઇકને અડફેટે લેતાં અકસ્માતઃ એકને ગંભીર ઇજા
- 8:08 pm April 6, 2021
ગોંડલમાં ટ્રાફિકથી સતત ધમધમતા રહેતા નેશનલ હાઈવે ગુંદાળા ચોકડી અંડર બ્રિજ નીચે અજાણ્યા કારચાલકે દાળ પકવાનની લારી, બાઈક અને કારને અડફેટે લેતા અશ્વિન પરસોત્તમ મકવાણા, શિવમ સતેન્દ્ર યાદવ, ગોલું સિપાલસિંગ પઢીયાર અને જીતેશ મનસુખભાઇ ગાજીપરા ગંભીર રીતે ઘાયલ થયા હતા. પ્રાથમિક સારવાર ગોંડલ સરકારી હોસ્પિટલે આપવામાં આવી હતી. બાદમાં શિવમ યાદવની હાલત વધુ નાજુક હોય વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો. અકસ્માત સર્જી કારચાલક નાસી ગયો હતો. ઘટનાને પગલે સિટી પોલીસે તપાસ હાથ ધરી છે.
અન્ડર બ્રિજની નીચે તેમજ સર્વિસ રોડ ઉપર આડેધડ વાહન પાર્ક કરી દેવામાં આવતા હોવાથી વ્યાપક પ્રમાણમાં અકસ્માતો થાય છે. અનેકવાર રજૂઆત છતાં પણ ટ્રાફિક પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવતી ન હોય લોકોમાં રોષ ફેલાયો છે. આ ઉપરાંત બ્રિજની નીચે ફ્રુટ તેમજ ખાણી-પીણીની લારીઓનો જમાવડો થતો હોય કેટલાક પોલીસના મળતિયાઓ દ્વારા હપ્તા ઉઘરાવી લારીઓ ઉભી રાખવા દેવામાં આવતી હોવાના પણ આક્ષેપો લોકોએ કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે ગોંડલની ગુંદાળા ચોકડી અકસ્માત માટે પંકાયેલી છે, થોડા સમય પહેલા ગુંદાળા રોડ પર સેન્ટ મેરી શાળા પાસેથી બેફામ સ્પીડમાં પસાર થતી એક કારના ચાલકે એક બાઇકને ઠોકર મારી હતી અને આ અકસ્માતમાં બાઇક સવાર રોડ પર પછડાયા હતા. અકસ્માતના આ બનાવમાં સાગર મહિડા નામના યુવકનું મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જીને અજાણ્યો વાહન ચાલક નાસી ગયો હતો.