અમદાવાદ કોર્પોરેટરો અને એનજીઓએ દરેક વોર્ડમાં શરૂ કર્યા વેક્સિનેશન કેમ્પો

  • 8:01 pm April 7, 2021

રાજ્યમાં કોરોનાના વધતા કેસોની વચ્ચે લોકોને વેક્સિનેશન આપવામાં આવી રહ્યું છે. ખાસ કરીને દરેક સોસાયટી અને ફ્લેટમાં જ્યાં ૧૦૦થી વધુ લોકો વેક્સિન લેવા તૈયાર હોય ત્યાં એએમસી દ્વારા વેક્સિનેશનની પ્રક્રિયા કરવામાં આવી રહી છે. અમદાવાદમાં દરરોજ આ રીતે અલગ અલગ વિસ્તારમાં વેક્સિનેશન કેમ્પો શરૂ થયા છે. શહેરના શાહીબાગ વિસ્તારમાં આવેલા ઓમ ટાવર અને નિકોલ વિસ્તારમાં આવેલા એરિસ હાઇટ્‌સ ફ્લેટમાં વેક્સિનેશન કેમ્પ યોજાયો હતો. બંને ફ્લેટમાં ૨૦ જેટલા લોકોએ વેક્સિન લીધી હતી. સરકાર અને કોર્પોરેશન ઝડપથી લોકોને વેક્સિન આપવા આવે એવી વ્યવસ્થા ગોઠવી રહ્યાં છે, જેના માટે દરેક વોર્ડમાં સ્થાનિક ભાજપના કોર્પોરેટરો- કાર્યકર્તાઓને જવાબદારી આપવામાં આવી છે.

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અલગ-અલગ કમ્યુનિટી હોલ અને અર્બન હેલ્થ સેન્ટરમાં વેક્સિનેશન માટે વ્યવસ્થા કરી છે. ઉપરાંત જે સોસાયટી અને ફ્લેટમાં ૧૦૦ જેટલા લોકો ૪૫ વર્ષથી વધુની વયના હોય તેમને વેક્સિન આપવા ફ્લેટમાં જ વ્યવસ્થા કરી આપવામાં આવે છે, જેને લઈ નિકોલ વિસ્તારમાં આવેલા એરિસ હાઇટ્‌સ ફ્લેટમાં સેવ હ્યુમિનિટી એનજીઓની મદદથી વેક્સિનેશન કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. એનજીઓના પ્રેસિડેન્ટ પૂનમ પાંચણીએ જણાવ્યું, ફ્લેટમાં ૧૪૦ જેટલા લોકોએ રસી લીધી હતી. વેક્સિનેશન માત્ર સરકારની જવાબદારી નથી. અલગ-અલગ કેમ્પ કરી વેક્સિનેશન કરી શકાય છે જેના માટે એએમસીને ૧૦૦થી વધુ લોકોનું લિસ્ટ આપવાનું રહે છે. વધુ લોકો વેક્સિન લે અને જાગ્રત બને તેના માટે આ રીતે કેમ્પ યોજવામાં આવ્યો હતો.

શાહીબાગ વિસ્તારમાં આવેલા ઓમ ટાવરમાં પણ રાજસ્થાન જૈન મિત્ર પરિષદ ગ્રુપ દ્વારા વેક્સિનેશન કાર્યક્રમ યોજાયો હતો. સ્થાનિક ધારાસભ્ય, કોર્પોરેટર ભરત પટેલ (લાલભાઈ બિલ્ડર), પ્રતિભા જૈન સહિતના કોર્પોરેટર અને સ્થાનિક કાર્યકરો હાજરી આપી હતી. આ કેમ્પમાં ૫૦થી વધુ લોકોએ વેક્સિન લીધી હતી. સ્થાનિક રહેવાસી અને ભાજપનાં કાર્યકર અંજલિ કૌશિકે જણાવ્યું હતું કે શાહીબાગ વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ દરરોજ વેક્સિનેશન કાર્યક્રમ યોજાય છે અને લોકો વેક્સિન લઈ રહ્યા છે.