એઇપીએલ પર ખતરો, ડેનિયલ સૈમ્સ પણ આવ્યો કોરોના પોઝિટિવ
- 8:07 pm April 7, 2021
આઈપીએલની ફેન્સ ખૂબ જ આતુરતાથી રાહ જાેઇ રહ્યા છે, ત્યારે ક્રિકેટ ફેન્સ માટે રોજ કોઇને કોઇ ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. આ આઈપીએલમાં જે ખેલાડીઓ રમવાના છે તેમા કોઇને કોઇ ખેલાડી કોરોનાની ઝપટમાં આવતો જઇ રહ્યો છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ ૨૦૨૧ ની શરૂઆત પહેલા કોરોના સંક્રમણનો બીજાે નવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ટૂર્નામેન્ટમાં ભાગ લઈ રહેલા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનાં ખેલાડી ડેનિયલ સૈમ્સ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. આરસીબીએ તેના સત્તાવાર ટિ્વટર હેન્ડલ પર આ માહિતી આપી છે.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (આરસીબી) ને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. ડેનિયલ સૈમ્સ આજે કોરોના ટેસ્ટમાં પોઝિટિવ જાેવા મળ્યો છે. અગાઉ આરસીબીનાં ઓપનર બેટ્સમેન દેવદત્ત પડીક્કલ પણ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતુ. સૈમ્સને હાલમાં કોવિડ-૧૯ નાં લક્ષણો નથી અને તેને આઇસોલેશનમાં મોકલી દેવામાં આવ્યો છે.
ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ની ૧૪ મી સીઝન ૯ એપ્રિલથી શરૂ થવાની છે અને તેની પહેલી મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઇ ઇન્ડિયન્સ અને આરસીબી વચ્ચે રમાવાની છે. આરસીબીએ ટિ્વટર દ્વારા આ માહિતી આપી હતી કે, ૩ એપ્રિલે જ્યારે ડેનિયલ સૈમ્સ ચેન્નઈની ટીમ હોટલમાં પહોંચ્યો હતો, ત્યારે તેનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો. તેનો બીજાે ટેસ્ટ રિપોર્ટ ૭ એપ્રિલે આવ્યો હતો, જેમાં તે કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે.
આરસીબી માટે આ એક મોટો ઝટકો છે કારણ કે સૈમ્સ હવે શરૂઆતની મેચોમાં રમી શકશે નહીં. ડેનિયલ સૈમ્સે ઓસ્ટ્રેલિયા તરફથી ચાર ટી-૨૦ આંતરરાષ્ટ્રીય મેચ રમી છે, જ્યારે અગાઉ તે દિલ્હી કેપિટલ્સ માટે આઈપીએલની ત્રણ મેચ રમી ચૂક્યો છે. આ વર્ષે તેને દિલ્હી કેપિટલ્સ દ્વારા છૂટો કરવામાં આવ્યો હતો, ત્યારબાદ આરસીબીએ તેને હરાજીમાં ખરીદ્યો હતો.