‘હેરી પૉટર’ અને ‘જેમ્સ બોન્ડ’ ફિલ્મના સ્ટાર પૉલ રિટરનું થયું નિધન
- 8:15 pm April 7, 2021
‘હેરી પૉટર’ અને ‘જેમ્સ બોન્ડ’ ફિલ્મના સ્ટાર પૉલ રિટરનું નિધન થયું છે. ૫૪ વર્ષના પૉલ રિટર ઘણા સમયથી બ્રેઈન ટ્યૂમરથી પીડાઈ રહ્યા હતા. પૉલ રિટરના નિધનથી હોલિવૂડ અને ટીવી ઇન્ડસ્ટ્રીમાં ખાલીપો વર્તાઈ રહ્યો છે. તેમના નિધનના સમાચાર આવ્યા બાદ તેમના ફેન્સ સો.મીડિયા પર દુખ વ્યક્ત કરી રહ્યા છે.
પૉલ રિટરના નિધન બાદ હવે તેમના પરિવારમાં તેમની પત્ની પોલી અને પુત્ર ફ્રૈંક તથા નોઆહ છે. ‘હેરી પૉટર’માં વિઝર્ડ એલ્ડરેડ વોર્પલેનું પાત્ર ભજવવા માટે તેમની ખૂબ જ પ્રશંસા કરવામાં આવી હતી. પૉલ રિટરના પ્રતિનિધિએ તેમના નિધન અંગે એક ચેનલ પર દુખ વ્યક્ત કર્યું હતું તથા જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા કેટલાક સમયથી બ્રેઈન ટ્યૂમરથી પીડાઈ રહ્યા હતા.
પૉલ રિટર એક પ્રતિભાશાળી અભિનેતાની સાથે એક બુદ્ધિમાન, ઉદાર દિલ અને મજાકિયા વ્યક્તિ પણ હતા. તેમણે અનેક પ્રકારના પાત્ર ભજવ્યા છે તથા સિનેમાની સાથે-સાથે થિયેટરમાં પણ કામ કરતા હતા. તેમણે ઓન સ્ક્રીન અને સ્ટેજ પર ઘણું સારુ કામ કર્યું છે, તે હંમેશા લોકોના દિલમાં જીવતા રહેશે.
પૉલ રિટરને કોરમ બોય પ્લે માટે વર્ષ ૨૦૦૬માં ઓલિવર એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવ્યા હતા. નૌરમેન કૉન્ક્વેસ્ટ પ્લેમાં તેમના અભિનયની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. ‘ધ ગેમ’ ફિલ્મમાં પણ તેમણે ખૂબ સારો અભિનય કર્યો છે. આ સ્પાઈથ્રિલર ફિલ્મ વર્ષ ૨૦૧૪માં ટોબી વ્હિટહાઉસ દ્વારા લખવામાં આવી હતી. વર્ષ ૨૦૧૯માં ફિલ્મ ‘ચેર્નોબિલ’માં અનાતોલી ડાયટાલોવના રૂપે પૉલ રિટરે ખૂબ સારો અભિનય કર્યો હતો. આ ફિલ્મને અનેક એવોર્ડ પણ આપવામાં આવ્યા છે.
પૉલ રિટર તેમના દમદાર અભિનય દ્વારા લોકોના દિલમાં રાજ કરી રહ્યા છે. ‘હાફ બ્લડ પ્રિંસ’ અને ‘ક્વાંટમ ઓફ સોલેસ’માં તેમણે ખૂબ જ સારો અભિનય કર્યો હતો, જે આજે પણ લોકો યાદ કરી રહ્યા છે. ‘ફ્રાઈડે નાઈટ ડિનર’ના ક્રિએટર રોબર્ટ પૉપરે તેમના નિધન પર દુખ વ્યક્ત કરતા જણાવ્યું, પૉલ એક ખૂબ જ સારા અને અદભુત માણસ હતા.