પેટ્રોલ ભરેલું જહાજ દરિયામાં ઊભું છે પણ ચુકવણીના પૈસા નથી

  • 4:30 pm May 20, 2022

શ્રીલંકામાં અભૂતપૂર્વ સંકટવીજળી મંત્રી કંચના વિજેસેકેરાએ સંસદને જણાવ્યુ કે ૨૮ માર્ચથી શ્રીલંકાના સમુદ્રી ક્ષેત્રમાં પેટ્રોલથી ભરેલું એક જહાજ ઉભુ છે

ભારતનો પાડોશી દેશ શ્રીલંકા ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. શ્રીલંકાએ બુધવારે કહ્યું કે, તેના સમુદ્રી ક્ષેત્રમાં લગભગ બે મહિનાથી પેટ્રોલ ભરેલા જહાજ ઉભા છે પરંતુ ચુકવણી કરવા તેની પાસે વિદેશી મુદ્રા નથી. પરંતુ સરકારે કહ્યું કે, દેશની પાસે ડીઝલનો પૂરતો ભંડાર છે. ઓનલાઇન પોર્ટલ ન્યૂઝફર્સ્‌ટ ડોટ એલકેના રિપોર્ટ પ્રમાણે વીજળી મંત્રી કંચના વિજેસેકેરાએ સંસદને જણાવ્યુ કે ૨૮ માર્ચથી શ્રીલંકાના સમુદ્રી ક્ષેત્રમાં પેટ્રોલથી ભરેલું એક જહાજ ઉભુ છે. પરંતુ તેની ચુકવણી કરવા શ્રીલંકાની પાસે ડોલર નથી.

આ સિવાય જાન્યુઆરી ૨૦૨૨માં પાછલા ડિલિવરી માટે તે જહાજના ૫.૩ કરોડ ડોલરની રકમ બાકી છે. મંત્રીએ કહ્યુ કે, શિપિંગ કંપનીએ બંને ચુકવણી સુધી જહાજ છોડવાનો ઇનકાર કરી દીધો છે. તેમણે કહ્યું કે, આ કારણ છે કે અમે લોકોને વિનંતી કરી કે ઇંધણ માટે રાહ ન જુએ. ડીઝલને લઈને કોઈ સમસ્યા નથી. અમારી પાસે પેટ્રોલનો મર્યાદિત જથ્થો છે અને તે જરૂરી સેવાઓ વિશેષ રૂપથી એમ્બ્યુલન્સને વિતરિત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. વિજેસેકેરાએ કહ્યુ કે તમામ ફિલિંગ સ્ટેસનો પર પેટ્રોલ વિતરણ કરવામાં શુક્રવારથી ત્રણ દિવસ લાગશે.

જૂનમાં શ્રીલંકાને ઈંધણ આયાત કરવા માટે ૫૩ કરોડ ડોલરની જરૂર પડશે. ભલે દેશને ભારતીય ઋણ સુવિધાનો લાભ મળે છે, ત્યારે પણ તેને બે વર્ષ પહેલાના દર મહિને ૧૫ કરોડ ડોલરની તુલનામાં ઈંધણ ખરીદી માટે ૫૦ કરોડ ડોલરથી વધુની જરૂર પડશે. શ્રીલંકાએ ઈંધણના પાછલા આયાત જથ્થા માટે ૭૦ કરોડ ડોલરથી વધુની રકમની ચુકવણી કરવાની છે. શ્રીલંકાના પ્રધાનમંત્રી પદેથી રાજીનામુ આપ્યા બાદ મહિન્દા રાજપક્ષે નવ દિવસ બાદ પ્રથમવાર બુધવારે સંસદની કાર્યવાહીમાં સામેલ થયા હતા. તેમના સમર્થકો તથા સરકાર વિરોધી પ્રદર્શનકારીઓ વચ્ચે હિંસક ઘર્ષણ બાદ તેમણે રાજીનામુ આપવુ પડ્યું હતું.

એએનઆઈ અનુસાર જરૂરી વસ્તુઓની કમી વચ્ચે ચીન દ્વારા શ્રીલંકામાં રાશન અપાયા બાદ વિદેશ સેવા અધિકારી સંગઠનમાં આક્રોશ પેદા થયો છે. તેમનું કહેવું છે કે વિદેશી અધિકારીઓને પ્રભાવિત કરવા માટે ચીન દાળ તથા ચોખા જેવા સૂકા રાશન વેચવાનો પ્રયાસ કરી રહ્યું છે. એક રિપોર્ટ પ્રમાણે શ્રીલંકાના ગામોમાં ચીની સરકાર તરફથી આપવામાં આવતા રાશનની બેગ પર ચીની કમ્યુનિસ્ટ પાર્ટીનું નિશાન છપાયેલું છે.