રજત પાટીદારની વિસ્ફોટક સદીથી બેંગલોરનો વિજય
- 5:02 pm May 27, 2022
લખનૌના અભિયાનનો અંતરોયલ ચેલેન્જર્સ બેંગલોરનો ૧૪ રને વિજય, હવે બીજી ક્વોલિફાયરમાં રાજસ્થાન રોયલ્સ સામે રમશે
રજત પાટીદારની વિસ્ફોટક સદીની મદદથી રોયલ ચેલેન્જર્સ બેંગલોરે આઈપીએલ ટી૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટની ૧૫મી સિઝનમાં ફાઈનલમાં પહોંચવાની આશા જીવંત રાખી છે. આઈપીએલ-૨૦૨૦માં બુધવારે કોલકાતાના ઈડન ગાર્ડન્સ મેદાન પર રમાયેલા એલિમિનેટર મુકાબલામાં બેંગલોરે શાનદાર પ્રદર્શન કરતા લખનૌ સુપર જાયન્ટ્સ ટીમ સામે ૧૪ રને વિજય નોંધાવ્યો હતો. આ સાથે જ પ્રથમ વખત આઈપીએલમાં રમી રહેલી લખનૌની લાજવાબ સફરનો અંત આવ્યો હતો. જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગલોર હવે ફાઈનલમાં પહોંચવા માટે બીજી ક્વોલિફાયરમાં રાજસ્થાન રોયલ્સનો સામનો કરશે. બીજી ક્વોલિફાયર મેચ ૨૭ મે શુક્રવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ મેચની વિજેતા ટીમ ફાઈનલમાં ગુજરાત ટાઈટન્સ સામે ટકરાશે. લખનૌ સુપર જાયન્ટ્સની ટીમ આઈપીએલમાં પ્રથમ વખત રમી રહી હતી. લોકેશ રાહુલની આગેવાનીમાં ટીમે સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન શાનદાર પ્રદર્શન કર્યું હતું. એલિમિનેટરમાં લખનૌએ ટોસ જીતીને બેંગલોરને પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. બેંગલોરે રજત પાટીદારની વિસ્ફોટક ૧૧૨ રનની ઈનિંગ્સની મદદથી નિર્ધારીત ૨૦ ઓવરમાં ચાર વિકેટે ૨૦૭ રનનો સ્કોર ખડક્યો હતો. જેના જવાબમાં લખનૌની ટીમ ૨૦ ઓવરમાં છ વિકેટે ૧૯૩ રન નોંધાવી શકી હતી. લખનૌ માટે સુકાની લોકેશ રાહુલે સૌથી વધુ ૭૯ રન નોંધાવ્યા હતા. ૨૦૮ રનના કપરા લક્ષ્યાંકને પાર પાડવા મેદાનમાં ઉતરેલી લખનૌ ટીમની બેટિંગ નિરાશાજનક રહી હતી. ઓપનર ક્વિન્ટન ડીકોક પ્રથમ ઓવરમાં જ આઉટ થઈ જતાં ટીમને મોટો ફટકો પડ્યો હતો. તેણે છ રન નોંધાવ્યા હતા. ત્યારબાદ મનન વોરા પણ ૧૯ રન નોંધાવીને આઉટ થયો હતો. સુકાની લોકેશ રાહુલ અને દીપક હૂડાએ ૯૬ રનની ભાગીદારી નોંધાવી હતી. હૂડાએ તાબડતોબ બેટિંગ કરતા ૨૬ બોલમાં એક ચોગ્ગા અને ચાર સિક્સરની મદદથી ૪૫ રન ફટકાર્યા હતા. જ્યારે લોકેશ રાહુલ ૫૮ બોલમાં ૭૯ રન નોંધાવીને આઉટ થયો હતો. જેમાં ત્રણ ચોગ્ગા અને પાંચ સિક્સર સામેલ હતી. બેંગલોર માટે જાેસ હેઝલવૂડે સૌથી વધુ ત્રણ વિકેટ ઝડપી હતી. જ્યારે મોહમ્મદ સિરાજ, વાનિન્દુ હસારંગા અને હર્ષલ પટેલને એક-એક સફળતા મળી હતી. એલિમિનેટર મુકાબલામાં લખનૌ સુપર જાયન્ટ્સ ટીમે ટોસ જીતીને બેંગલોરને પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યું હતું.