સુરતમાં લિંબાયતના મારુતિનગર સોસાયટી પાસે મારામારીની ઘટના આવી સામે..

  • 7:27 pm March 16, 2023
રિપોર્ટર- એજાજ શેખ

 

 

લિંબાયતના મારુતિનગર સોસાયટી પાસે મારામારીની ઘટના સામે આવી હતી. જેમાં અગાઉના ઝઘડાની અદાવતમાં સમાધાન માટે બોલાવી બે યુવકો પર ચપ્પુ વડે હુમલો કરી દેવામાં આવ્યો હતો. ત્યારે મારામારીની આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. તો બીજી તરફ આ સમગ્ર મામલે લિંબાયત પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. જેમાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

લિંબાયત મીઠીખાડી પાસે રહેતા સાકીરભાઈ ઇકબાલ સૈયદ માર્કેટમાં પાર્સલનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત રોજ ધુળેટીના દિવસે તેઓના મિત્ર ફારુકભાઈના છોકરા જુબેરનો તોસીફ નામના ઇસમ સાથે ઝઘડો થયો હતો. જે ઝઘડા બાબતે સમાધાન કરવા માટે બોલાવતા તેઓ ત્યાં ગયા હતા. જ્યાં તોસીફ પઠાણ, સાદિક કાલિયા, જુનેદ તથા મુસદીક નામના ઈસમોએ તેઓને મા-બેન સામે અપશબ્દો બોલ્યા હતા. જેને લઇ વાત વણસી જતા મારામારી થવા પામી હતી. આ દરમિયાન ઉશ્કેરાયેલા તોસીફે ચપ્પુ ફેરવતા સાકીરભાઈના ગળાના ભાગે ઈજા પહોંચી હતી. જ્યારે મુસદીક પાસે રહેલું ચપ્પુ ઉમેરના ઝાંઘના ભાગે વાગી ગયું હતું. ત્યારબાદમાં જાનથી મારી નાખવાની ધમકીઓ આપી તમામ લોકો ફરાર થઇ ગયા હતા. ધુળેટીના દિવસે થયેલી આ મારામારીનો વીડિયો પણ સામે આવ્યો છે. જાહેરમાં મારામારીનો બનાવ બનતા એક સમયે ત્યાં અફરાતફરી મચી જવા પામી હતી. ત્યારે આ ઘટનામાં થયેલ ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

ત્યારે આ મામલે મહમ્મદ ફારુકે જણાવ્યું હતું કે છ મહિના પહેલાં પણ આ ઈસમો દ્વારા મારા પુત્રને અને મને ધમકાવવામાં આવ્યા હતા. કોર્ટમાં જે કેસ ચાલી રહ્યો છે જમીનનો, તે બાબતે સમાધાન કરવા માટે અમારા ઉપર દબાણ કરવામાં આવતું હતું. ત્યારે ગઈકાલે પણ અમને સમાધાન માટે બોલાવ્યા હતા. પરંતુ એકાએક તેમને તીક્ષ્‍ણ હથિયાર વડે હુમલો કરવાનું શરૂ કરી દીધું હતું. વધુમાં તેમને જણાવ્યું હતું કે આ યુવકો દારૂનું વેચાણ અને જમીન પચાવી પાડવાનું કામ કરે છે અને પોલીસ સાથે પણ એમની ખૂબ સારી સાઠગાંઠ હોવાનું જણાવ્યું હતું. સમાધાન કરવા માટે બોલાવીને સમાધાન કરવાને બદલે ફરીથી તેમણે અમારી સાથે દાદાગીરી કરી હતી અને માર મારવાની ધમકી આપી હોવાનું જણાવ્યું હતું. ત્યારે આ સમગ્ર મામલે લિંબાયત પોલીસે સાકીર સૈયદની ફરિયાદના આધારે તોસીફ પઠાણ, સાદિક કાલિયા, જુનેદ તથા મુસદીક નામના ઈસમો સામે મારમારીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.