દિલ્હીમાં નવા સંસદ ભવનનું વડાપ્રધાનના હસ્તે થશે ઉદ્‌ઘાટન

  • 10:09 pm May 27, 2023

 

નવું સંસદ ભવન રેકોર્ડ ૨૮ મહિનામાં બનાવવામાં આવ્યું

નવા સંસદ ભવનના નિર્માણમાં વપરાયેલી બાંધકામ સામગ્રી તેમની વિશેષતાઓને ધ્યાનમાં રાખીને વિવિધ રાજ્યોમાંથી મંગાવવામાં આવી હતી

નવી દિલ્હી,

દેશની નવી સંસદ તૈયાર છે. નવું સંસદ ભવન રેકોર્ડ ૨૮ મહિનામાં બનાવવામાં આવ્યું હતું. આ સંસદ ભવનનું આવતીકાલે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉદ્‌ઘાટન સામે ૨૦ વિપક્ષના ભારે વિરોધ વચ્ચે ઉદ્‌ઘાટન કરશે. મોદી દ્વારા ઉદ્‌ઘાટનને રોકવા કરાયેલી અરજી સુપ્રીમ કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવતા સમારોહને લઈને તમામ સવાલનો અંત આવી ગયો છે. નવા સંસદ ભવનના નિર્માણમાં વપરાયેલી બાંધકામ સામગ્રી તેમની વિશેષતાઓને ધ્યાનમાં રાખીને દેશના વિવિધ રાજ્યોમાંથી મંગાવવામાં આવી હતી. બીજા શબ્દોમાં કહીએ તો નવું સંસદ ભવન એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવનાને આત્મસાત કરે છે. કારણ કે લોકશાહીના આ મંદિરને બનાવવા માટે દેશભરમાંથી કોઈને કોઈ સામગ્રી આવી છે. નવી ઇમારતમાં વપરાયેલ સાગનું લાકડું મહારાષ્ટ્રના નાગપુરથી મંગાવવામાં આવ્યું છે. રાજસ્થાનના સરમથુરાથી સેન્ડસ્ટોન (લાલ અને સફેદ)ની આયાત કરવામાં આવી છે. સંસદ ભવનમાં જે કાર્પેટ બિછાવવામાં આવી રહ્યા છે તે યુપીના પ્રખ્યાત મિર્ઝાપુરના છે. ત્રિપુરાના અગરતલામાંથી વાંસ મેળવીને અહીં લાકડાનું માળખું બનાવવામાં આવ્યું છે. યુપીના નોઈડા અને રાજસ્થાનના રાજનગરમાં પથ્થરની જાળીનું કામ કરવાયું  છે. મહારાષ્ટ્રના ઔરંગાબાદ અને રાજસ્થાનના જયપુરે અશોક ચિહ્નના નિર્માણમાં ફાળો આપ્યો હતો. જ્યારે અશોક ચક્ર મધ્યપ્રદેશના ઈન્દોર શહેરમાંથી બનાવવામાં આવ્યું છે. સંસદ ભવન માટેનું ફર્નિચર મુંબઈથી લાવવામાં આવ્યું છે. લાલ લાખા જેસલમેરના લાખાથી આવ્યા છે. તેવી જ રીતે રાજસ્થાનના અંબાજીથી સફેદ માર્બલની આયાત કરવામાં આવ્યા છે. કેસરી લીલા પથ્થર ઉદયપુરથી લાવવામાં આવ્યા છે. પથ્થરની કોતરણીનું કામ આબુ રોડ અને ઉદયપુરથી કરવામાં આવ્યું છે જ્યારે પથ્થર રાજસ્થાનના કોટપુતલીમાંથી લવાયા છે. એમ-સેન્ડ હરિયાણાના ચક્રી દાદરીમાંથી લવાઈ છે જ્યારે ફ્લાય એશની ઇંટો એનસીઆર, હરિયાણા અને યુપીમાંથી મેળવવામાં આવી હતી. ગુજરાતમાં અમદાવાદમાંથી બ્રાસ વર્ક અને પ્રી-કાસ્ટ ટ્રેન્ચનું કામ કરવામાં આવ્યું છે, જ્યારે દમણ-દીવમાંથી લોકસભા અને રાજ્યસભાની ફોલ્સ સીલિંગ કરવામાં આવી છે.ભારતનું નવું સંસદ ભવન રૂ. ૧૨૦૦ કરોડમાં પૂર્ણ થયું છે. તે રેકોર્ડ ૨૮ મહિનામાં તૈયાર કરવામાં આવ્યું છે. સંસદની આ નવી ઇમારતના નિર્માણમાં ૬૦ હજારથી વધુ મજૂરોએ કામ કર્યું છે. આ નવું સંસદ ભવન એટલે કે નવી દિલ્હીના મધ્યમાં નવું સંસદ ભવન ૬૪,૫૦૦ ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલું છે. ગુજરાતની આર્કિટેક્ટ કંપનીએ તેની ડિઝાઇન તૈયાર કર્યું છે. તેના મુખ્ય આર્કિટેક્ટ બિમલ પટેલ છે. ૧૦ ડિસેમ્બર ૨૦૨૦ ના રોજ, ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ હેઠળ બનેલા નવા સંસદ ભવનનો શિલાન્યાસ કર્યો હતો . તેનું બાંધકામ ૧૫ જાન્યુઆરી ૨૦૨૧થી શરૂ થયું હતું.