આઇ ખેડૂત પોર્ટલ વર્ષ 2023-24 માટે પશુપાલન ખાતાની સહાયકારી યોજનાઓનો ઓનલાઇન ડ્રો યોજાયો

  • 9:49 pm July 25, 2023
જે.પી વ્યાસ, પાટણ

 

પાટણ,

વર્ષ 2023-24 આઇ ખેડૂત પોર્ટલ માટે પશુપાલન ખાતાની સહાયકારી યોજનાઓનો ઓનલાઇન ડ્રો યોજાયો હતો. જેમાં બહોળી સંખ્યામાં પશુપાલકોની હાજરીમાં વિવિધ મુદ્દાઓને લઈને ઓનલાઈન ડ્રો નું આયોજન કરવામાં આવ્યું હતુ.

પાટણ જિલ્લા પંચાયત ખાતે ડૉ.બી.એમ.સરગરા, જિલ્લા પશુપાલનના નિરિક્ષણ હેઠળ વર્ષ 2023-24 માં અમલી પશુપાલન ખાતાની સહાયકારી યોજનાઓ, અનુસુચિત જાતિ- સામાન્ય જાતિના પશુપાલકોના (1) ગાભણ પશુઓ (ગાય-ભેસ) ને સમતોલ ખાણદાણ પુરુ પાડવા (2) વિયાણ બાદ પશુઓને  સમતોલ ખાણદાણ પુરુ પાડવા (3) અનુ.જાતિ- સામાન્ય વિસ્તારની દુધ ઉત્પાદક સહકારી મંડળીઓને દુધઘર-ગોડાઉન બાંધકામ સહાય યોજનાઓ વગેરેનો ઓનલાઇન ડ્રો યોજાયો હતો. આ ડ્રો માં ઓનલાઇ અરજી કરેલ અને આ યોજના માટે પાત્રતા ધરાવતા અનુસુચિત જાતિના કુલ-469 અરજદાર પશુપાલકોમાંથી કુલ-204 લાભાર્થીઓની પસંદગી કરવામાં આવેલ હતી.
સામાન્ય વર્ગના કુલ-7786 અરજદાર પશુપાલકોમાંથી 1973 પશુપાલકો ડ્રોમાં પસંદગી પામતાં વિના મુલ્યે યોજનાની શરતો મુજબ ખાણદાણનો જથ્થો મેળવી લાભાન્વિત થશે. આ ડ્રોમાં જે પશુપાલક પસંદગી પામ્યા છે, તેઓના રજીસ્ટર મોબાઇલ નંબર ઉપર સોફટવેરથી તરત જ ટેક્સ્ટ મેસેજ મોકલવવામાં  આવતાં પારદર્શકતા જોઇ પશુપાલકો ઓનલાઇન ડ્રો ની કામગીરીથી ખુશ થયા હતા. જિલ્લાના વધુમાં વધુ પશુપાલકો આઇ-ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરી સરકારી યોજનાઓનો લાભ લે તે માટે જિલ્લા પંચાયત પ્રમુખ, અને જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું હતુ. ઓનલાઈન ડ્રો ના આયોજનમાં જિલ્લા પંચાયત પ્રમુખ ભાનુમતીબેન મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી ડી.એમ.સોલંકી, જિલ્લા પશુપાલનના અધિકારી ડૉ.બી.એમ.સરગરા તેમજ પશુપાલકો ઉપસ્થિત રહ્યા હતા.