સુરતમાં બ્લુ સિટી બસ ફરી કાળમુખી બની, એક યુવકનો જીવ લીધો

  • 10:28 pm July 26, 2023

 

સુરત,

રાજ્યભરમાં એક પછી એક અકસ્માતની ઘટના વધી રહી છે ત્યારે તેની વચ્ચે બેફામ દોડતી સિટી બસે સુરતમાં એક રાહદારીનો ભોગ લીધો છે. સુરતના કતારગામ વિસ્તારમાં એક યુવકને સિટી બસે અડફેટે લેતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. યુવકના મોતને લઈને સ્થાનિકોમાં રોષની લાગણી જોવા મળી હતી.બીજી તરફ સમગ્ર અકસ્માતને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.સુરતમાં કતારગામ દરવાજા વિસ્તારમાં જાહેર રોડ પર બ્લ્યૂ કલરની પાલિકા સંચાલિત સિટી બસે અકસ્માત સર્જ્યો હતો. રસ્તા પર જ યુવકને અડફેટે લીધો હતો. જેથી યુવકને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતુ. ઘટનાની જાણ 108 એમ્બ્યુલન્સને કરવામાં આવી હતી. જેથી 108ની ટીમે ઘટના સ્થળે પહોંચી તપાસ કરતાં યુવકને મૃત જાહેર કર્યો હતો.બીજી તરફ એક પછી એક અકસ્માતોની વણજાર સિટી બસ દ્વારા સર્જવામાં આવી રહી છે. જેથી અકસ્માતને લઈને લોકોમાં રોષ જોવા મળ્યો હતો. સ્થાનિકોનું કહેવું હતું કે, સિટી બસના ડ્રાઈવરો દ્વારા અકસ્માત સર્જવામાં આવી રહ્યાં છે. તેમ છતાં યોગ્ય પગલાં લેવામાં ન આવતાં હોવાથી આ પ્રકારે અકસ્માતોમાં સામાન્ય લોકોના ભોગ લેવાઈ રહ્યાં છે. સમગ્ર અક્સમાતને લઈને પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.